સુરેન્દ્રનગર, તા.૧૯
સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વેપાર બનતું જતું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા વિધાર્થીઓ ભણી ગણીને આગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં આર.ટી.ઈ. હેઠળ અનેક બાળકો સારી શાળાઓમાં સારૂં શિક્ષણ મેળવી રહ્યાં છે. ગરીબ પરિવારના બાળકો પણ સરકારના આર.ટી.ઈ.ના કાયદાના કારણે સારૂં શિક્ષણ મેળવી રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રાઈમરી શાળાઓ અને સિનિયર કેજી કે જુનિયર કેજીના નાના બાળકો પાસેથી ઊંચી ફી વસૂલવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં જાણીતી શાળા આવેલી છે. આ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી ફી મંગાવવામાં આવી હતી ત્યારે આજે સવારે ફીના ભરવાના કારણે નાના વિદ્યાર્થીઓને ઘેર પરત મોકલવામાં આવ્યા હતા. આ બાળકો જોરાવરનગરની ખાનગી શાળા બહાર રડતી હાલતમાં નજરે પડ્યા હતા.
બાળકોને શાળામાં ફીના ભરવાના કારણે ઘેર પરત મોકલવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. ત્યારે શાળા સંચાલકો સાથે વાલીએ વાતચીત કરતા ઉડાઉ જવાબ આપ્યા હતા.
વિદ્યાર્થીઓને ફી બાબતે ઘેર પરત મોકલવામાં આવતા સરકારના ભણશે ગુજરાતના દાવા નિષ્ફળ સાબિત થયા હતા. આ શાળા સામે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.