National

જો અયોધ્યાનો ચુકાદો અમારી તરફેણમાં નહીં આવે તો અમારી ‘‘બલિદાન ટુકડી’’ સડકો ઉપર ઉતરશે : ભાજપના વિનય કટિયારની ધમકી

(એજન્સી) લખનૌ, તા.રપ
રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા વિનય કટિયારે કહ્યું છે કે, જો રામમંદિરનો નિર્ણય અમારી તરફેણમાં નહીં આવશે તો અમે ‘બલિદાન દસ્તો’ તૈયાર કરીશું. ભાજપ નેતા વિવાદિત નિવેદન માટે પંકાયેલા છે. એમણે કહ્યું કે બલિદાની દસ્તો સુપ્રીમકોર્ટના ચુકાદા પહેલાં કોઈ કાર્ય કરશે નહીં. પત્રકારો સાથે વાતચીત કરતા એમણે કહ્યું કે જો રામમંદિરનું નિર્માણ કરવા પરવાનગી નહીં અપાશે તો બલિદાની દસ્તો પોતાનું કાર્ય કરશે અને રામમંદિર નિર્માણમાં ઝંપલાવશે. કટિયારે કહ્યું કે બાબરી મસ્જિદ કેસના પક્ષકાર ઈકબાલ અન્સારીને સમગ્ર મુદ્દે ખૂબ જ ઓછું જ્ઞાન છે. કટિયાર અયોધ્યા-ફૈઝાબાદમાંથી ૧૯૯૧, ૧૯૯૬ અને ૧૯૯૯માં લોકસભાની ચૂંટણીઓ જીત્યા હતા અને હાલમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. અયોધ્યામાં રામમંદિર મુદ્દે એ ખૂબ જ સક્રિય છે. એ બજરંગદળના સ્થાપક અને અધ્યક્ષ છે. કટિયારની ગણના ભાજપના ઉચ્ચ નેતાઓમાં થાય છે. એમની સામે બાબરી મસ્જિદ કેસમાં ષડયંત્રના આક્ષેપો હેઠળ કેસ ચાલી રહ્યું છે.