ડૉ. જાવેદ વકીલ
ડૉ. સલીમ સિદ્દીકી
ડૉ. અયાન શાહ
અમદાવાદ, તા.૧૧
કોરોના વાયરસના કેસોનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચે જઈ રહ્યો છે. ત્યારે લોકોએ સાવચેતી રાખીને ઘરમાં રહેવાની જરૂર છે. ગુજરાતના ૪૬૮ કેસોમાંથી માત્ર ર૪૩ કેસોમાં અમદાવાદના છે એટલે કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા તંત્રએ કમર કસી છે. હાલ લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે, તાવ, શર્દી કે ખાંસી હોય તો જ કોરોના થાય અથવા તો થાય નહીં. કેટલાક દર્દીઓએ તો તેમને આવા લક્ષણો ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી રિપોર્ટ સામે શંકા દર્શાવતો વીડિયો બનાવી વાયરલ કર્યો છે. ત્યારે આ મામલે કેટલાક જાણીતા ડોક્ટરો સાથે વાત કરતા ડોક્ટરોએ પણ કબૂલ્યું છે કે, જો તમને તાવ, ખાંસી કે શર્દી જેવા લક્ષણો ન હોય તો પણ તમને કોરોના પોઝિટિવ આવી શકે છે.
આ અંગે અમદાવાદની વાડીલાલ હોસ્પિટલના એમડી મેડિસીન ડી.એમ. નેફરોલોજિસ્ટ જાવેદ કે.વકીલએ વાત કરતા જણાવ્યું હતું કે, તાવ, શર્દી કે ખાંસી ના હોય તો પણ કોરોનાનો કેસ પોઝિટિવ આવી શકે છે. કેમ કે, તમે જે વિસ્તારમાં રહેતા હોય તેની આસપાસના વિસ્તારમાં કોઈ કેસ પોઝિટિવ આવે તો તમારે સાવચેતી રાખીને સેલ્ફ ક્વોરન્ટાઈન રાખવું એટલે કે ઘરમાં જ રહેવું જોઈએ. વગર કામે બહાર નીકળવું જોઈએ નહીં. કોરોના વાયરસને ચેપ લાગ્યા પછી તેના ચિહ્નો ડેવલપ થવામાં બે સપ્તાહ જેટલો સમય થાય છે. એટલે લક્ષણો ના હોય તો પણ કોરોના પોઝિટિવ આવી શકે છે. તમને વહેલાસર ખબર પડે તો તમે પણ બચી શકો અને વાયરસને ફેલાતો અટકાવી બીજાને પણ બચાવી શકો છો, એમ ડોક્ટર જાવેદ વકીલે જણાવ્યું હતું.
સિનિયર ફિઝીશિયન ડૉ.સલીમ કે. સિદ્દીકીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ઘણીવાર કોરોના વાયરસ જે વ્યક્તિમાં હોય તેની રોગપ્રતિકારક શક્તિ વધારે તો તે વ્યક્તિને કોઈ તકલીફ ના પણ થાય. પરંતુ તે વ્યક્તિ દ્વારા ચેપ ફેલાવાય તો જેને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેને તકલીફ પડી શકે છે. ત્યારે તાવ-શર્દી કે ખાંસી ના હોય તેમને કોરોના પોઝિટિવ આવી શકે છે, તો આવા લોકોએ તંત્રને પૂરતો સહકાર આપી જરૂરી સારવાર કરાવવી જોઈએ. જો ગીચ વિસ્તારમાં બે કે ચાર કેસ પોઝિટિવ આવે તો ત્યાંથી વાયરસ ફેલાવાની શક્યતા વધારે છે. એટલે આવા વિસ્તારના લોકોને સામાન્ય શર્દી, ખાંસી હોય તો પણ તેમને તાત્કાલિક ટેસ્ટ કરાવવો જોઈએ. કોરોના પોઝિટિવ કેસોમાં મોટાભાગના ૭૦થી ૮૦ ટકા લોકોને સારવારથી સારૂ થઈ જાય છે. ત્યારે સરકાર કોરોનાને વધતો અટકાવવા અત્યારે જે પગલાં ભરી રહી છે તે લોકોને આકરા લાગશે પણ સરવાળે દેશને ફાયદો થશે. થોડી તકલીફ વેઠીને મોટી તકલીફને નિવારી શકાશે, એમ ડૉ.સલીમ સિદ્દીકીએ જણાવ્યું હતું.
અમદાવાદની એલ.જી. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર અયાન શાહ (એમબીબીએસ, એમ.એસ., જનરલ સર્જરી)એ આ મામલે વાતચીતમાં જણાવ્યું હતું કે, તમને કોરોના લક્ષણો ના હોય તો પણ રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે. ઘણીવાર કોઈનામાં સામાન્ય લક્ષણો જોવા મળે છે તો કોઈનામાં ગંભીર લક્ષણો જોવા મળે છે. પરંતુ જરૂરી નથી કે, લક્ષણો જોવા જ મળે. એટલે જો તમારામાં લક્ષણો ના દેખાય તો પણ ચેપ હોઈ શકે છે અને તમે બીજાને ચેપ ફેલાવી રહ્યા છો. ત્યારે સરકારની ગાઈડલાઈન પ્રમાણે સારવાર લેવી જોઈએ. ઉપરાંત કોરોનાના વધતા ચેપને અટકાવવા લોકો ઘરમાં રહે તે જરૂરી છે, એમ ડૉ.અયાન શાહે જણાવ્યું છે.
5