Ahmedabad

જો ર૦૧૯માં મોદી સરકાર પુનઃ સત્તા પર આવી તો રાષ્ટ્રપતિ શાસન લદાશે

અમદાવાદ, તા.૩૧
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે ભવિષ્યવાણી ભાખતો હોય તેમ એક મોટું નિવેદન આપી સૌને ચોંકાવી દીધા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જો વર્ષ ર૦૧૯માં મોદી સરકાર ફરીથી સત્તા પર આવશે તો દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જશે ત્યારબાદ દેશમાં કયારેય ચૂંટણી યોજાશે નહીં. હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આરએસએસ મોદીથી નારાજ છે. તેઓ નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવા ઈચ્છે છે. મહારાષ્ટ્રના અકોલામાં વિદર્ભ યુથ ફોરમ તરફથી સ્વરાજ ભવનમાં યોજાયેલા સંમેલનમાં હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આરએસએસ ઈચ્છે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટે જેનાથી મોદી સરકારને ભીંસમાં લઈ નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવાનો માર્ગ સરળ કરી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. પરંતુ વડાપ્રધાનને રાજ્યોમાં ભાજપની સરકાર કેવી રીતે બને તેની જ ચિંતા કોરી ખાતી હોવાથી ખેડૂતોની જરાયે ચિંતા નથી. ખેડૂતોને દર્દભરી અપીલ કરતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો આત્મહત્યા ન કરે પરંતુ સરકાર સામે તેમનો અવાજ ઉઠાવે, આ માટે હું તમારી સાથે છું. અત્યારસુધી ગુજરાતની જેલમાં રહ્યો છું હવે મહારાષ્ટ્રની જેલમાં રહેવું પડશે તોય મને વાંધો નથી. એમ જણાવી વ્યવસ્થા પરિવર્તન માટે તમામને એક જૂથ થવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં વધારો થયો છે. આથી આ મુદ્દા ઉપરાંત બેરોજગારી સહિતના વિવિધ મુદ્દા પર સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલને આમંત્રણ અપાયું હતું.