સિડની, તા.૩
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી અંતિમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ૧૮૫ રનમાં સમેટાઈ ગઈ. આ મેચમાં તો રોહિત શર્મા પણ રમી રહ્યો ન હતો, તેમ છતાં પણ ટીમ ઇન્ડિયાનો બેટિંગ ઓર્ડર પાણીમાં બેસી ગયો. ત્યાં સુધી કે આ ઇનિંગ દરમ્યાન રન ગતિ પણ ખૂબ ધીમી રહી. ભારતીય બેટ્સમેનોએ ૭૨.૨ ઓવર બેટિંગ કરી અને બધી વિકેટ ગુમાવી ૧૮૫ રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી મોટી ઇનિંગ રિષભ પંતે રમી, તેણે ૪૦ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે સ્કોટ બોલેન્ડે ઘાતક બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી. મેચની વાત કરીએ તો રોહિત શર્માના બહાર બેસવાના નિર્ણયના કારણે બુમરાહે ટોસ માટે આવ્યો અને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમને સારી શરૂઆત મળી નહીં. કે.એલ. રાહુલ બાદ યશસ્વી જયસ્વાલ સસ્તામાં આઉટ થઈ ગયા. ત્યારબાદ લંચ પહેલાના અંતિમ બોલે શુભમન ગિલ પણ આઉટ થઈ ગયો. બીજા સેશનમાં ભારતની એક વિકેટ પડી, જ્યારે વિરાટ કોહલી ફરીથી ચોથા-પાંચમા સ્ટમ્પના બોલને છેડીને આઉટ થઈ ગયો. ત્રીજા સેશનમાં ભારતે પોતાની બાકીની ૬ વિકેટ ગુમાવી દીધી. રિષભ પંતે આ ઇનિંગમાં ૯૮ બોલમાં ૪૦ રન બનાવ્યા, જ્યારે ૨૬ રન રવિન્દ્ર જાડેજાએ બનાવ્યા. ૨૦ રનની ઇનિંગ શુભમન ગિલે રમી. વિરાટ કોહલી ૧૭ રન બનાવી આઉટ થયો. જસપ્રીત બુમરાહે ૨૨ રનની ઇનિંગ રમી, જે આ સિરીઝમાં ભારતીય કપ્તાનની સૌથી મોટી ઇનિંગ રહી. ઓસ્ટ્રેલિયા માટે બોલેન્ડે ચાર, સ્ટાર્કે ત્રણ અને કમિન્સે બે વિકેટ ઝડપી. પ્રથમ દિવસના અંતમાં ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આવવું પડ્યું, કારણ કે, ઓવર ગતિ ઘણી ધીમી રહી હતી. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે નવ રન બનાવ્યા છે. ભારત પાસે હજુ પણ ૧૭૬ રનની લીડ છે.
જસપ્રીતે ખ્વાજાને આઉટ કરી જવાબ આપ્યો બુમરાહ સાથે ભીડનાર કોન્સ્ટાસને બે બોલમાં જ જવાબ મળી ગયો
સિડની, તા.૩
સિડની ટેસ્ટના પ્રથમ દિવસના અંતે થોડી ગરમા-ગરમી જોવા મળી. અંતિમ ઓવરમાં જસપ્રીત બુમરાહ અને સેમ કોન્સ્ટાસ વચ્ચે બોલાચાલી થઈ જેનો જવાબ ભારતીય કપ્તાને ઉસ્માન ખ્વાજાની વિકેટ સાથે આપ્યો. બુમરાહ અને કોન્સ્ટાસની આ તૂ-તૂ મેં-મેં બાદ બીજા દિવસની રમત રોમાંચક બનવાની આશા છે. આ બંને વચ્ચેની જીભાજોડીની ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગની ત્રીજી ઓવરની છે. ચોથા બોલ બાદ ઉસ્માન ખ્વાજા તૈયાર થવા માટે ઘણો સમય લઈ રહ્યો હતો. વાસ્તવમાં દિવસની રમત સમાપ્ત થવામાં સમય ઘણો ઓછો બાકી હતો અને ભારત વધુ એક ઓવર ફેંકવા માંગતું હતું પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન આ ઓવર સાથે દિવસની રમત સમાપ્ત કરવા માંગતા હતા. બુમરાહે ઉસ્માન ખ્વાજાને જલ્દી બોલ રમવા માટે તૈયાર થવા માટે કહ્યું તો નોન સ્ટ્રાઇકર સેમ કોન્સ્ટાસ તેની સાથે બોલાચાલી કરવા લાગ્યો. બંને ખેલાડી એક બીજા તરફ વધી રહ્યા હતા કે, અમ્પાયરે તેમને વચ્ચે રોકી દીધા. ઓવરના અંતિમ બોલે બુમરાહે ઉસ્માન ખ્વાજાનો શિકાર કર્યો. આ વિકેટ બાદ તે ઉજવણી કરવા માટે ટીમ પાસે ગયો નહીં પણ ૧૯ વર્ષના સેમ કોન્સ્ટાસ સામે થઈ ઊભો થઈ ગયો. આટલામાં સ્લિપમાં ઊભેલા વિરાટ કોહલીએ પણ તેનાથી આગળ નીકળતા ટીમ સાથે ઉજવણી કરી.