National

ટ્રુડોના ડીનર લિસ્ટમાં ખાલિસ્તાની આતંકવાદીના નામ બાદ કેનેડાના PMOએ કહ્યું અટવાલને આમંત્રણ જ આપવું ના જોઈએ

(એજન્સી)નવી દિલ્હી, તા.રર
સજા પામેલ ખાલિસ્તાની ત્રાસવાદી જસપાલ અટવાલને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આપેલ ડીનરનું આમંત્રણ રદ કર્યું હતું. દિલ્હીમાં ગુરૂવારે કેનેડીયન વડાપ્રધાન જસ્ટીનના માનમાં ડીનર પાર્ટી યોજાઈ હતી. જેમાં અપરાધી ખાલિસ્તાની આતંકી જસપાલ ટ્રુડોને પણ આમંત્રણ અપાયું હતું. મુંબઈમાં કેનેડીયન વડાપ્રધાન ટ્રુડોની પત્ની સાથે અટવાલનો ફોટો વાયરલ થયા બાદ વિરોધના સૂર ઉઠતા આમંત્રણ રદ કરાયું હતું. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંગે આ મુદ્દો ઉઠાવ્યો હતો. પંજાબના પૂર્વ પ્રધાન મલકેતસિંગ સીધુ પર ૧૯૮૬માં પાનકુવર ટાપુ પર જાનલેવા હુમલો કરાયો હતોે. અટવાલ ચાર હુમલાખોરોમાંના એક હતા. જેમણે સીધુની કાર પર ગોળીબાર કરી હુમલો કર્યો હતો. ત્યારબાદ જસપાલ અટવાલને દોષિત ઠરાવી સજા કરાઈ હતી. પાછળથી કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ એક નિવેદનમાં કહ્યું હતું કે, અટવાલ તેમના પ્રતિનિધિમંડળનો હિસ્સો નથી. ખાલિસ્તાની ત્રાસવાદી અટવાલને કદી પણ આમંત્રણ અપાયું નથી. આવું કેવી રીતે બન્યું તેની તપાસ થઈ રહી છે. તેમ કેનેડીયન વડાપ્રધાનના કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. જસ્ટીન ટ્રુડો તેમના મંત્રીમંડળના ૬ સભ્યો સાથે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંગના મળ્યા હતા. તે દરમ્યાન કેનેડામાં ખાલિસ્તાન તરફી પ્રવૃત્તિ કરતા ૯ જેટલા કેનેડીયન શીખ શખ્સોની યાદી ટ્રુડોને સુપ્રત કરાઈ હતી. જેમની સામે હત્યા અને ધિક્કારના ગુનામાં સામેલ હોવાનો આરોપ છે. કેનેડાના વડાપ્રધાને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંગને ખાતરી આપી હતી કે તેમનો દેશ ભારતમાં કોઈપણ ભાગલાવાદી ચળવળ કરનારાઓને ટેકો નહીં આપે. અમરિન્દરસિંગે જસ્ટીનને કહ્યું હતું કે, ત્રાસવાદી પ્રવૃત્તિ કરતા કેનેડામાં રહેતા તત્ત્વો કે જેઓ નાણાકીય સાધનો અને શસ્ત્રો પૂરા પાડે છે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે.