(એજન્સી) તા.૨
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે રેલવેના ખાનગીકરણ પહેલા પગલાં પર સરકારને આડા હાથે લેતા તેમણે કહ્યું કે સરકારને તેમના આ નિર્ણય માટે જનતા માફ નહીં કરે. સરકારે આજે રેલેવમાં ખાનગીકરણ કરવા માટે કંપનીઓ પાસેથી પ્રપોઝલ મંગાવી છે. જેમાં હવે ખાનગી કંપનીઓ પેસેન્જર ટ્રેન ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
મંત્રાલયના પ્રસ્તાવ મુજબ ખાનગી કંપનીઓને ૩૫ વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેમાં દેશના ૧૦૯ રૂટ પર ૧૫૧ ટ્રેન ચલાવવાની યોજના છે. આ પ્રોજેક્ટથી રેલવેને ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે તેવો અંદાજ છે.
દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક જે લગભગ ૧૩,૦૦૦ ટ્રેનોમાં ચાલી છે, રેલવે અંદાજિત ૧૨ લાખ કરતા વધુ લોકોને રોજગારી આપે છે. મુસાફરી માટે એક હિસ્સો સબસિડી પર ચાલે છે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર ટ્વીટ કરીને લખ્યું કે, ‘રેલ ગરીબોની એકમાત્ર જીવનરેખા છે અને સરકાર તેને પણ છીનવી રહી છે. જે છીનવ્યું છે તે છીનવી લેજો પરંતુ યાદ રાખજો દેશની જનતા તેનો વળતો જવાબ આપશે. આ મામલે રેલવે મંત્રાલયે કહ્યું હતું કે આ પહેલ કરવાનો અમારો ઉદ્દેશ્ય રેલવેમાં આધુનિક ટેક્નોલોજી લાવવાનો અને મેઈન્ટેનન્સ તથા ટ્રાન્ઝિટ સમય ઘટાડવાનો છે. અમે રેલવેમાં રોજગાર સર્જન કરવા માગીએ છીએ, લોકોને સુરક્ષા પૂરી પાડવા માગીએ છીએ, મુસાફરો વર્લ્ડ ક્લાસ ટ્રાવેલ અનુભવ આપવા માગીએ છીએ.