ડભોઈ, તા.ર૪
ડભોઇ શહેરના તમામ વરિષ્ઠ નાગરિકોને ૩૧મી માર્ચ ૨૦૨૧ પહેલા રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડભોઇ મામલતદારના અધ્યક્ષસ્થાને ડભોઇ શહેરના મુસ્લિમ ડોક્ટરો તેમજ મુસ્લિમ અગ્રણીઓ અને ધર્મગુરૂઓ સાથે ડભોઇ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇ મામલતદાર પુંજા આર. સહાનીના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, હાલમાં કોરોના પ્રતિરોધક રસી ડભોઇ શહેર તાલુકાના તમામ ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓ તેમજ ૬૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને ડભોઇ શહેર ખાતે આવેલ રસીકરણ કેન્દ્રો ખાતેથી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે ત્યારે સંબંધિત વ્યક્તિઓએ આ રસીકરણમાં જોડાઇને આ રસી લેવી આવશ્યક છે. આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે તેથી અફવાઓથી દૂર રહી કોઈ શંકા કે ડર રાખ્યા વિના આ રસી મુકાવી કોરોના સંક્રમણ સામે સુરક્ષિત બનવું અને સંક્રમણને ફેલાતું અટકાવવું એ તમામ નાગરિકોને ફરજ છે. આ બેઠકમાં મુસ્લિમ સમાજના ડોક્ટર સોયબ ભાઈ બાબુજી વાલાએ મુસ્લિમ સમાજના લોકોને ડર રાખ્યા વગર વેક્સિન લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ડોક્ટર સિનેમા વાલા, ડોક્ટર આદમભાઈ ખત્રી, ડોક્ટર જુનેદભાઈ વગેરે ડોક્ટરો અને મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા.