Ahmedabad

ડેપ્યુટી મ્યુનિ. કમિશનર બનવા માટે પ્રથમ શ્રેણીમાં સ્નાતક જ લાયકાત માન્ય

અમદાવાદ,તા. ૩૧
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા રાજ્યનાં આર્થિક પાટનગરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો મોભાદાર હોદ્દો મેળવવાનું સ્વપ્ન સેવતાં ઘણાં તંત્રના ખાતાકીય વડાને નિરાશ થવું પડશે. કેમ કે, તંત્રની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જગ્યા માટેની ગઇકાલની જાહેરાતમાં લાયકાતમાં કોઇ ફેરફાર કરાયો નથી. જેને પગલે અનેક ખાતાકીય વડાઓ આ મોભાદાર હોદ્દા માટે આશા રાખીને બેઠા હતા, તે આશા પર ઠંડુ પાણી રેડાઇ ગયું છે અને તેથી તેઓમાં ભારે નિરાશાની લાગણી ફરી વળી છે. અગાઉ એવી અટકળો થતી હતી કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જગ્યા માટે કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ માટે પ્રથમ શ્રેણીમાં સ્નાતકને બદલે દ્વિતીય શ્રેણીમાં સ્નાતક તેવી લાયકાતને મંજૂરી અપાશે. જોકે ગઇકાલની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કુલ પાંચ જગ્યા માટે જાહેરખબરમાં મ્યુનિસિપલ અધિકારીઓ માટેની લાયકાતમાં કોઇ ફેરફાર કરાયો નથી. જેના કારણે અનેક ખાતાકીય વડા કે જે દ્વિતીય શ્રેણીમાં સ્નાતક થયા છે, તેમની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર થવાની ઇચ્છા પર પાણી ફરી વળ્યું છે. જાણકાર સૂત્રો કહે છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પાંચ જગ્યા પૈકી ત્રણ જગ્યા બિન અનામત, એક જગ્યા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે અનામત રખાઇ છે. જોકે મ્યુનિસિપલ કમિશનરને બહારના અધિકારી અને અંદરના અધિકારી તમામ માટે સમાન ધોરણ અપનાવ્યું હોઇ અને અગાઉની જેમ છ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર લેવાશે અને તેમાં મ્યુનિ. કોર્પોરેશનના ત્રણ અધિકારી અને બહારના ત્રણ અધિકારી લેવાશે તેવા પ્રકારની અટકળોનો પણ છેદ ઊડી ગયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંકનો મામલો હાલ તો અમ્યુકો વર્તુળમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.