Special Articles

તંત્રીલેખ  :- સરકાર શ્રેય, શિવાનંદ હોસ્પિટલ જેવા કેટલા અગ્નિકાંડની રાહ જુએ છે ?

એક તરફ કોરોનાનો કહેર ફરી પાછો ગુજરાતને પણ ભીંસમાં લઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની કામગીરી બેવડાઈ જાય છે. લોકો વખાના માર્યા સરકારીની સાથે ખાનગી હોસ્પિટલોમાં પોતાના સ્વજનોને ઢગલે ઢગલા રૂપિયા ખર્ચીને દાખલ કરે છે. તેઓ અપેક્ષા રાખે જ કે તેમના સ્વજનો કોરોનાથી બચી સાજામાઝા થઈ જાય. પણ જે ખાનગી હોસ્પિટલોમાં તેઓ દાખલ થાય છે ત્યાં તેમની ઉમદા સારવારની સાથે હાદસાથી તેમના બચાવ માટેની પણ પૂરી તકેદારી પૈસાની લાલચુ હોસ્પિટલો રાખતી નથી. એના નાના-મોટા દાખલા અવાર-નવાર બનતા જ રહે છે.
જેમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ થયેલા દર્દીઓ અડધી રાત્રે શ્રેય હોસ્પિટલમાં થયેલી શોર્ટ સર્કિટથી થયેલા અગ્નિકાંડમાં વિના કારણ મોતને ભેટ્યા. એ હોસ્પિટલના અગ્નિકાંડને રફેદફે કરવાની પેરવી પોલીસ તંત્રએ કોઈકના ઈશારે કરી, અને શ્રેય હોસ્પિટલના વહીવટ કરનારાઓને આરામથી જામીન મળી ગયા. જે દર્દીઓ મોતને ભેટ્યા તેમના સ્વજનોના દર્દને લઈ આંસુ સારી રહ્યા છે, ન્યાય મળે તેની રાહ જોઈને દહાડા વિતાવી રહ્યા છે, પણ હજીય કોઈ આશાનું કિરણ દૂર દૂર તક નજર આવતું નથી.
એ ગોઝારા અગ્નિકાંડના દોષિતોને સજા થાય તે પહેલાં જ રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અગ્નિકાંડ થયો, જેમાં પાંચ દર્દીઓ ફટાફટ મોતના મુખમાં ધકેલાયા, કેટલાકને બચાવી લેવાયા. હોસ્પિટલ, સરકારી તંત્રની આવી ઘોર બેદરકારીની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી. અને સરકારને એ અંગે સોગંદનામુ રજૂ કરવા કહ્યું. સરકારે ઝટપટ તપાસ પંચ નીમી લીપાપોતી કરવાની કોશિશ કરી. સોગંદનામું રજૂ કર્યું. પણ સુપ્રીમ પાસે નિયત ઊઘાડી પડી ગઈ. અને સુપ્રીમે ફરી સોગંદનામું કરવા કહ્યું. સાથે એમ પણ કહ્યું કે, તમે આ બનાવ પર ઢાંકપિછોડો કરી રહ્યા છો. કારણ કે સરકારના જવાબ અને ચીફ ઈલેકટ્રીક્લ એન્જિનિયરના જવાબ વચ્ચે વિરોધાભાસ છે. તથ્યોને દબાવવાના પ્રયત્નો ન થવા જોઈએ.
રાજ્ય સરકાર, એનું વહીવટીતંત્ર આ રીતે તેની સત્તાનો પ્રજાના હિત માટે ઉપયોગ કરવાને બદલે મુઠ્ઠીભર માલેતુજારો, પોતાના પક્ષના માણસો કે ચાહકોને બચાવવામાં ઉપયોગ કરી ન્યાયને છેહ દઈ રહ્યા છે. પ્રજાએ સરકારની આ રીતિ-નીતિ જાણી બેસી રહેવાને બદલે તેની સામે લોકશાહી ઢબે વિરોધ કરવો જ જોઈએ. કારણ કે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકેની તેની જવાબદારી નિભાવવામાં સાવ નિષ્ફળ જઈ રહી છે. કેવળ નિવેદનોથી વિરોધનો દેખાડો કરવાનો કોઈ અર્થ સરશે નહીં.
બાકી સૌ કોઈને ખબર છે કે, સત્તા પરની મોટાભાગની સરકારો આવા હોસ્પિટલ અગ્નિકાંડથી લઈ ઘણી બધી બાબતોથી છટકવા માટે તપાસ કમિશનો નીમી વાતને ભૂલાવવાની, ઠંડા બસ્તામાં નાખવાની ટ્રિક અજમાવે છે. આ બધું હવે બહુ જૂનું થઈ ગયું. પ્રજા ચૂપ રહે એનો મતલબ સત્તાધીશો એમ કરે છે કે, થોડા દિવસ ઊહાપોહ થશે પછી બધું ઢાંક્યું ઢબુર્યું થઈ જશે. પણ પ્રજાને કરેલો અન્યાય વરસો પછીય છાપરે ચઢીને પોકારતો રહે છે એ સત્તાધીશોએ ભૂૂલવા જેવું નથી.