(એજન્સી) તા.૧૪
તામિલનાડુના ત્રિચિ જિલ્લામાં ગત ૧૧ ઓગસ્ટના રોજ માદક દ્રવ્યોની હેરાફેરી કરવાના કેસમાં ભાજપના એક નેતા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ મંદિરમાં ઉપયોગમાં લેવાતી પ્રસાદની બોટલમાં અફિણ ભરીને તેની હેરાફેરી કરતાં હતા. પોલીસ અફિણને જલ્દીથી ઓળખી શકે નહીં તે માટે તેઓએ પોતાના ગોરખધંધા માટે પ્રસાદની બોટલનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આ આરોપીઓ પાસેથી રૂ. ૧૦ લાખના મૂલ્યના ૧ કિલો ૮૦૦ ગ્રામ અફીણ ઝડપી પાડ્યું હતું. તામિલનાડુની સંગઠિત ગુના નિવારણ શાખાએ કહ્યું હતું કે આ ગોખધંધામાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાસ્તવમાં પોલીસને એવી બાતમી મળી હતી કે ત્રિચિમાં કેટલાંક લોકો કારમાં બેસીને અફિણનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસના ડીએસપી સેન્થિલ કુમાર અને ડ્રગ પ્રિવેન્શન યુનિટના ડીએસપી કામરાજે તરત જ ત્રિચિમાં દરેક વાહનોની ઝડતી લેવાનુ શરૂ કરી દીધું હતું. તે સમયે પોલીસને જોવા મળ્યું હતું કે પેરામ્બલુરનો રહિશઅને ભાજપનો જિલ્લા પ્રમુખ ૪૦ વર્ષિય અદાઇ કાલરાજ પોતાની કારને એક જગ્યાએ રોકે છે અને કોઇની રાહ જુએ છે. અને થોડી જ વારમાં ત્રિચિના નોચ્ચીયમ નજીક આવેલા મનપિદિમંગલમ ગામના ૫૦ વર્ષિય અદાદૈયનની કાર આવે છે અને કાલરાજ તેમાં બેસી જાય છે. પોલીસને શંકા જતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવે છે અને તે કારની ઝડતી લેતાં તેમાંથી પ્રસાદની બોટલમાં સંતાડેલા ૧ કિલો ૮૦૦ ગ્રામ અફઇણનો જથ્થો મળી આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ અફિણની કિંમત રૂ. ૧૦ લાખ જેટલી થાય છે. પોલીસે તાત્કાલિક આ બે જણથી ધરપકડ કરી હતી અને તેઓની કાર કબ્જે કરી લીધી હતી. વધુ તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે કબ્જે કરાયેલી કાર પેરામ્બલુરના સિદ્ધા ડોક્ટરની હતી અને અદાઇ કાલરાજે તેની કાર ડોક્ટરને આપી દીધી હતી અને ડોક્ટરની કાર પોતે લઇ લીધી હતી ધરપકડ કરાયેલા આરોપીએ કહ્યું હતું કે અફિણનો જથ્થો રાજસ્થાનથી આવે છે અને પેરામ્બલુરનો પ્રકાશમ નામનો કોઇ વ્યક્તિ તે અફિણની ડિલિવરી લે છે. આ કેસમાં અન્ય ૩ વ્યક્તિઓ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને ત્રિચિની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ પાંચ પૈકી અદાઇ કાલરાજ ભાજપના જિલ્લા પ્રમુખ છે.