Site icon Gujarat Today

તૃણમૂલે ગૃહ મંત્રાલયની એડવાઈઝરીને વિપક્ષ શાસિત રાજ્યમાં સત્તા પર કબજો કરવાનું ભાજપનું જ કાવતરું ગણાવ્યું

(એજન્સી) તા.૧૦
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટાંકીને લખેલા એક પત્રમાં તૃણમૂલ કોંગ્રેસે આરોપ મૂક્યો કે પશ્ચિમ બંગાળની સરકારને ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એડવાઈઝરીએ વિપક્ષ શાસિત રાજ્યમાં સત્તા પર કબજો કરવાનું ભાજપનું એક મોટું કાવતરું છે. તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીએ ગૃહ મંત્રાલયને લખેલા એક પત્રમાં લખ્યું હતું કે ગૃહ મંત્રાલયે વાસ્તવિકતા જાણ્યા વિના કે પછી રાજ્ય સરકાર પાસે અહેવાલ માગ્યા વિના જ આ નિષ્કર્ષ કાઢી લીધો હતો. પાર્થ ચેટરજીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ વતી હું ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને જારી કરાયેલી એડવાઈઝરીને આકરા શબ્દોમાં વખોડું છું. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં હિંસા સતત વધી રહી છે. શનિવારે સાંજે બંગાળ બીજેપી ચીફ દિલીપ ઘોષની રેલીને પોલીસે રોકી દીધી હતી. ત્યારબાદ પોલીસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયુ, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા. હજુ આ મામલો ઠંડો થયો નથી ને મોડી સાંજે બંગાળના ૨૪ પરગણામાં ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ શરૂ તઈ ગયો. જેમાં કેટલાકના મોતનો દાવો કરવામાં આવ્યો. આ મામલા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના અધિકારીઓ પાસે ગ્રાઉન્ડ રિપોર્ટ માંગ્યો છે. બંગાળ હિંસા પર કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં બંગાળમાં વારંવાર થઈ રહેલી હિંસા પર ચિંતા જાહેર કરી છે. આ સાથે જ કેન્દ્રએ કહ્યું કે, મમતા બેનરજીની સરકાર કાયદો અને વ્યવસ્થાને ટકાવી રાખવામાં નિષ્ફળ જઈ રહી છે. રાજ્ય સરકાર બરાબર રીતે કામ નથી કરી રહી. કેન્દ્રએ બંગાળ સરકારને કાયદો-વ્યવસ્થા બનાવી રાખવાની સલાહ આપી છે. આ સાથે તેમણે કહ્યું કે, જે અધિકારી બરોબર કામ નથી કરી રહ્યા, તેમના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. આ એડવાઈજરીની આકરી ઝાટકણી કાઢતાં ચેટરજીએ કહ્યું હતું કે અમારી પાસે કારણ છે જે દર્શાવે છે કે વિપક્ષ શાસિત રાજ્યમાં ભાજપ સત્તાને હડપી જવા માટે જુદા જુદા રાજકીય કાવતરાં કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આ તમામ કાવતરાંઓને નિષ્ફળ બનાવી દેવામાં આવશે.

Exit mobile version