(એજન્સી) મંડ્યા, તા.૧૨
સદીઓ જૂના કાલભૈરવેશ્વર સ્વામી મંદિરમાં દલિતોના પ્રવેશનો વિરોધ કરતા, ગ્રામજનોના એક વર્ગે ‘ઉત્સવ મૂર્તિ’-દેવતાઓ કે જેમને મોટા મંદિર તહેવારના દિવસોમાં શહેરની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે-ને મંડ્યા જિલ્લાના હનાકેરે ગામના મંદિરના પરિસરમાં સુરક્ષિત સ્થાન પર ખસેડ્યા. રવિવારે માંડ્યા શહેરથી ૧૩ કિમી દૂર હનાકેરે ખાતે સરકારી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની મેરેથોન બેઠક બાદ દલિતોને એન્ડોમેન્ટ વિભાગ દ્વારા સંચાલિત મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મંદિરનો સેંકડો વર્ષનો ઈતિહાસ છે અને તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એમ શ્રીનિવાસના નેતૃત્વમાં તેનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું. કેટલાક ગ્રામજનોએ પરંપરાઓને ટાંકીને દલિતોના પ્રવેશનો વિરોધ કર્યો અને એ પણ જણાવ્યું કે ગામમાં દલિતો માટે અલગ મંદિર બનાવવામાં આવ્યું છે. દલિતોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવાના નિર્ણયથી નારાજ કેટલાક ગ્રામજનોએ ઉત્સવ મૂર્તિને એક અલગ ચેમ્બરમાં સ્થાનાંતરિત કરી અને કહ્યું કે તેઓએ તેના પર પૈસા ખર્ચ્યા છે. અંધાધૂંધીના પગલે બપોરના સુમારે મંદિરને થોડા કલાકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. મંદિરના દરવાજા દિવસ પછી ફરીથી ખોલવામાં આવ્યા હતા અને તમામ ધાર્મિક વિધિઓ રાબેતા મુજબ કરવામાં આવી હતી. મંદિરમાં તમામ જાતિના ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અગમચેતીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તહસીલદાર શિવકુમાર બીરાદારે આ પ્રશ્નનો સૌહાર્દપૂર્વક ઉકેલ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.