બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને હું અને મારી માતા શરમમાંથી છૂટા થયા છીએ : રોહિતનો ભાઈ રાજા
હૈદરાબાદ, તા. ૧૪
હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આપઘાત કરનાર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની માતા અને ભાઈએ ગુરૂવારે મુંબઈમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો. બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ
આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિના અવસરે આંબેડકર ભવનમાં યોજાયેલા એક સમારોહમા રોહિતની માતા રાધિકા અને ભાઈ રાજાને બૌદ્ધ ધર્મના મઠ દ્વારા દિક્ષા આપવામાં આવી હતી. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી રોહિતના ભાઈ રાજાએ એવું જણાવ્યું કે મારા ભાઈ રોહિત બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માંગતો હતો તેણે બૌદ્ધ ધર્મ અપનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તે સફળ થયો નહોતો. રાજાએ ઉમેર્યું કે અમને બૌદ્ધ ધર્મ અને તેનો ઉપદેશ ખૂબ ગમે છે તેથી અમે તેને અંગીકાર કરી રહ્યાં છીએ. રાજાએ ક્હયું કે અમે ભારતમાં પ્રવર્તી રહેલા જાતિવાદની વિરૂદ્ધ છીએ તેથી અમે બોદ્ધ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો. બૌદ્ધ ધર્મમાં હિન્દુ ધર્મની જેમ જાતિભેદ નથી. આંબેડકરના પ્રપોત્ર પ્રકાશ આંબેડકરે કહ્યું કે બાબાસાહેબના જન્મદિવસના પ્રસંગે બૌદ્ધ મઠ દ્વારા રાધિકા અને રાજાને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી. રાજાએ કહ્યું કે જો આજે મારો ભાઈ રોહિત જીવતો હોત તો તેને ઘણું ગૌરવ થયું હોત અને આજથી હું અને મારી માતા રોહિતના સપનાનું જીવન જીવવાનું શરૂ કરીશું. આજે હકીકતમાં હું અને મારી માતા શરમમાંથી છુટ્યાં છીએ. પોતાના ભાઈ રોહિતની આત્મહત્યાના મુદ્દે વધુ એકવાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર હુમલો કરતાં રાજાએ ક્હયું કે આજથી અમારો પુનઃજન્મ થયો છે. રાજાએ એવું પણ કહ્યું કે રોહિતની આત્મહત્યા માટે જવાબદાર લોકો પર વડાપ્રધાન મોદી ચૂપ કેમ છે. વડાપ્રધાને મારા ભાઈના મોત પર આંસુ વહાવ્યાં પરંતુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અપ્પારાવ પર એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. રોહિતની મોટી બહેનના લગ્ન થયાં છે અને તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો નથી. પ્રકાશ આંબેડકરે કહ્યું કે હૈદરાબાદની મારી મુલાકાત દરમિયાન રોહિતની માતા અને ભાઈએ મારી સમક્ષ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે પછી તેમને એક સમારોહમાં બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી.