Ahmedabad

‘દારૂ છે’ કહીને પોલીસે ખોટી રીતે એમ્બ્યુલન્સ રોકી રાખતાં બે દર્દી રઝળી પડ્યા

અમદાવાદ,તા.ર૯
લોકડાઉનમાં દર્દીને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સને પોલીસે વગર કામે રોકીને હેરાન-પરેશાન કરતા દર્દી રઝળી પડ્યા હતા. જેને પગલે એક દર્દીને સાયકલ રિક્ષા કરીને પાલડી ખાતે દવાખાને લઈ જવો પડ્યો હતો જ્યારે બીજા દર્દીને પગપાળા કરીને વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે એમ્બ્યુલન્સમાં કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ ન હોવા છતા પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા દર્દીઓ રઝળી પડ્યા હતા. ત્યારે આ કેટલી હદે યોગ્ય કહેવાય ? માનવતાને નેવે મૂનારા આવા પોલીસકર્મી સામે કડકમાં કડક પગલાં ભરને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દાખલો બેસાડવો જોઈએ તેવી માંગ ઊઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે સવારે જમિયત ઉલમાં એ હિન્દની એમ્બ્યુલન્સમાં દરિયાપુરનાં રહેવાસી દર્દી આયમાન (ઉ.વ.અઢી વર્ષ) તેની માતા નુરજહાં સાથે ડો.હસમુખ પટેલની રૂણદાથન હોસ્પિટલ, પાલડી તેમજ દર્દી આરીફભાઈ (ઉ.વ.૩૫) તેમની બહેન સાથે વાડીલાલ એસ.વી.પી. હોસ્પિટલ જતા હતા ત્યારે વિક્ટોરિયા ગાર્ડન પાસે એલિસબ્રિજનાં નાકે બંદોબસ્ત ઉપર હાજર પી.એસ.આઈ. વિનોદ સોરથિયાએ એમ્બ્યુલન્સ રોકી ડ્રાઈવર ઉસ્માનભાઈને ગાળો ભાંડી કે તમે લોકો આ ગાડીમાં દારૂની હેરા ફેરી કરો છે. તેમ કહી અપશબ્દો બોલી ગાડી અટકમાં લઇ લેવા કંટ્રોલ ઉપર ફોન કરેલો અને પી.એસ.આઈ. એસ.એચ. મચ્છર શાહીબાગ કંટ્રોલમાંથી ગાડીમાં આવેલા અને એમ્બ્યુલન્સમાં તપાસ કરતા કોઈ વાંધાજનક વસ્તુ મળી નહી. ત્યારબાદ તેઓએ પી.એસ.આઈ સોરઠિયાને ઠપકો આપી તેમની સાથેનાં વાહનમાં લઇ ગયા અને જાણવા મળ્યા મુજબ પી.એસ.આઈ સોરઠિયાને ફક્ત અન્ય કોઈ સ્થાને બદલી કરી દીધી છે. તે સિવાય કોઈ કાર્યવાહી કરી નથી ! અત્રે ડ્રાઈવર ઉસ્માનભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેમની એમ્બ્યુલન્સમાં બે દર્દી અને તેમની સાથે ફક્ત બે સગા હતા અને મેડિકલ ટ્રીટમેન્ટની ફાઈલ પણ હતી. જે પી.એસ.આઈ સોરઠિયાને દેખાડેલ પરંતુ તદ્દન ઉદ્ધત ભાષા અને વર્તન ધરાવનાર આ પોલીસે ડ્રાઈવર અને દર્દીનાં દેખાવ અને પહેરવેશ ઉપરથી તેમજ એમ્બ્યુલન્સ ઉપર લખેલું “જમિયતે ઉલમાં હિન્દ જોઈ દારૂની હેરફેરનો તદ્દન ખોટો આરોપ મૂકી ગાડી જપ્ત કરવાની ધમકી આપી એલિસબ્રિજનાં નાકે જ બેસાડી દધા હતા.
વળી દર્દીને ડોક્ટર પાસે જવાની ઉતાવળ હોવાને કારણે સાયકલ રિક્ષા કરી છેક પાલડી પહોંચ્યા હતા. જ્યારે અન્ય એક દર્દી પગપાળા વી.એસ. હોસ્પિટલ પહોંચી ગયા હતા ! ઉલ્લેખનીય છે કે, જ્યારે દેશના વડાપ્રધાન નેરેન્દ્ર મોદી અસહિષ્ણુતાને ધિક્કારે છે અને સમાજમાં કોઈ પણ વર્ગ વચ્ચે ભેદભાવ કરવાની વિરૂદ્ધ છે ત્યારે સરકારી અધિકારી જે તમામ સમાજના લોકોના ટેક્ષનાં પૈસે પગાર મેળવે છે. તે આવી રીતે વર્તે એ કોઈપણ સમાજ કઈ રીતે સહન કરી શકે ? તેવો સવાલ ઊઠવા પામ્યો છે.

દર્દીને હોસ્પિટલ લઇ જતી એમ્બ્યુલન્સ રોકી પોલીસે અસહિષ્ણુતા દાખવી

પોલીસ દમન અને જોહુકમી તેમજ એક ધર્મના લોકો પ્રત્યે ઘૃણા અને નફરતનો જીવતો દાખલો આજે સામે આવ્યો ! આજે અમેરિકાની ધાર્મિક આઝાદી સંસ્થાએ ભારતને ‘ચોક્કસ ચિંતાનો દેશ’ ગણાવ્યો, વાર્ષિક રિપોર્ટમાં નાગરિકતા (સુધારો) કાયદાને ફટકાર આપી છે અને એ ભારતને ૧૪ ‘ચોક્કસ ચિંતાગ્રસ્ત દેશો’માં સામેલ કરે છે તો કેટલાક બેજાબદાર પોલીસવાળાને રાજ્ય સરકાર આડેહાથ નહીં લે ? શું પક્ષમાં રહેલા મુસ્લિમ મુખ પ્રેક્ષક બની આ બધું જોયા કરશે કે પોલીસ સામે પગલાં લેવા જોરદાર રજૂઆત કરશે ?