વડોદરાના ઉદ્યોગપતિએ દિલીપકુમાર સાથેના સંસ્મરણો વાગોળ્યા
સાયરાબાનુ દિલીપકુમારને કોહિનૂરથી હંમેશા નવાજતા હતા
(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
બોલિવૂડના ભીષ્મ પિતામહ એવા દિલીપકુમારનું આજે સવારે લાંબી માંદગી બાદ ૯૮ વર્ષની વયે અવસાન થયું છે ત્યારે વડોદરાના તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. વડોદરાના ઉદ્યોગપતિ રોનક ભાઈસાહેબ દિલીપકુમારના જન્મદિવસે શુભેચ્છા પાઠવવા જતા હતા. દિલીપકુમાર સાથેના યાદગાર પ્રસંગો વાગોળતા તેઓ જણાવે છે કે, તેમના જન્મદિવસે અને રમજાન ઈદના દિવસે દિલીપકુમારને અત્યાર સુધીમાં છ વખત મળવાનું થયું હતું તેમની સાથે લંચ લેવાનો પણ મોકો મળ્યો હતો. રોનકભાઈ ભાઈસાહેબ આજે દિલીપકુમારને શબ્દાંજલિ અર્પણ કરતા જણાવે છે કે, અમને એવું હતું કે તેઓ સો વર્ષના થશે પરંતુ ૯૮ વર્ષની વયે તેઓ ખુદાને પ્યારા થયા છે તેમની સાથેની મુલાકાત ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે, મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને આઠ વખત અમે ગયા હતા જેમાંથી છ વખત તેમની સાથે મુલાકાત થઈ હતી. સાયરાબાનુ તો દિલીપકુમારને તેમના નામથી નહીં પરંતુ કોહિનૂરથી હંમેશા નવાજતા હતા. રોનકભાઈ જણાવે છે કે, દિલીપકુમાર બરોડા એરપોર્ટ ઉપર એક વખત આવ્યા હતા અને બાય રોડ કેવડિયા કોલોની ફિલ્મના શૂટિંગ માટે ગયા હતા. ફિલ્મ જગતમાં સૌથી વધુ એવોર્ડ મેળવનારા કલાકારોમાં દિલીપકુમાર પ્રથમ સ્થાને રહ્યા છે તેઓના જન્મદિન નિમિત્તે અમારાથી મુંબઈ જવા નહીં તો વડોદરા ખાતે અમારી કંપનીમાં કેક કાપીને તેઓના જન્મદિવસની ઉજવણી કરતા હતા. તેમજ તેઓના જન્મદિન નિમિત્તેને ધ્યાનમાં રાખીને ગરીબ વસાહતોમાં જીવન જરૂરી ચીજવસ્તુ અને કંબલનું વિતરણ પણ કરતા હતા. દિલીપકુમાર આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમની સાથેની મુલાકાત જિંદગીભર યાદ રહેશે.