(એજન્સી) તા.૨૭
ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ એક બાજુ રસીકરણની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે તો બીજી બાજુ દિલ્હીમાં હાથ ધરાયેલ પાંચમાં સિરોલોજીકલ સર્વેના પરિણામોથી રાહત અને આશ્ચર્ય બંને થયાં છે. તાજેતરના સિરોસર્વે અનુસાર દિલ્હીમાં દર બે વ્યક્તિએ એક વ્યક્તિ કોવિડ-૧૯થી સંક્રમિત થઇ હતી અને પછી તેમાંથી સાજી થઇ ગઇ હતી. રાષ્ટ્રીય પાટનગરમાં કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાનું મૂલ્યાંકન કરવા દિલ્હી સરકાર દ્વારા સિરો સર્વેના અનેક રાઉન્ડ યોજાયાં હતાં. દિલ્હીમાં પાંચમા અને સૌથી મોટો સિરો સર્વે જાન્યુ.૨૦૨૧માં યોજાયો હતો. સિરો સર્વેમાં વ્યક્તિના શરીરમાંથી લોહીના નમૂના લેવામાં આવે છે અને ત્યાર બાદ તબીબી ટીમ કોરોના વાયરસ સામે લોહીમાં એન્ટિબોડી ડેવલપ થઇ છે કે કેમ તેનું પરીક્ષણ કરે છે. દિલ્હી સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના પાંચમા સિરોસર્વેના પ્રાથમિક તારણો પરથી એવું જાહેર થયું છે કે દિલ્હીના એક ચોક્કસ જિલ્લામાં ૬૦ ટકા લોકોમાં કોવિડ-૧૯ એન્ટિબોડીઝ ડેવલપ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું છે. આનો અર્થ એ થયો કે આ લોકોને જાણ ન હતી એ રીતે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયાં હતાં અને પાછળથી સાજા પણ થઇ ગયાં હતાં. જ્યારે અન્ય જિલ્લાઓમાં ૫૦ ટકા કરતાં વધુ લોકોમાં એન્ટિ-બોડીઝ ડેવલપ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું છે અને તેથી તેઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયાં હતાં. દિલ્હીમાં બે કરોડ કરતાં વધું લોકોની વસ્તી છે અને પાંચમો સિરોસર્વે દર્શાવે છે કે એક કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયાં બાદ સાજા થઇ ગયા છે. કોરોના વાયરસ એન્ટિ-બોડીઝનું જોવા મળેલ ઊંચું પ્રમાણ દર્શાવે છે કે પાટનગર હર્ડ ઇમ્યુનિટીના સ્તરે પહોંચી ગયું છે. દિલ્હી મેડિકલ કાઉન્સિલના પ્રમુખ ડો.અરુણ ગુપ્તા હર્ડ ઇમ્યુનિટી અંગે ત્રણ ભાગમાં સમજાવતાં જણાવે છે કે જો મોટી વસ્તીમાં રોગ વિરુદ્ધ એન્ટિ-બોડી હોય તો તેના કારણે રોગનો ફેલાવો અટકે છે અને બાકીની વસ્તીને પણ સંક્રમણ સામે રક્ષણ મળે છે. બીજું હર્ડ ઇમ્યુનિટી બે રીતે આવી શકે છે. એક તો સંક્રમણના કુદરતી ફેલાવાને કારણે અને બીજુ રસીકરણને કારણે. વૈજ્ઞાનિક અને ડોક્ટર તરીકે અમે ઇચ્છીએ છીએ કે હર્ડ ઇમ્યુનિટી રસીકરણ દ્વારા આવે અને બીજુ ૬૦ ટકા કરતાં વધુ વસ્તીમાં એન્ટિ-બોડીઝ જોવા મળે તો અમે માની લઇએ છીએ કે બાકીની ૪૦ ટકા વસ્તીમાં એન્ટિ-બોડીઝ નથી તેને પણ હર્ડ ઇમ્યુનિટીને કારણે સંક્રમણ સામે રક્ષણ મળી શકે છે.