(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અંગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા ચાર દિવસથી હિંસા ચાલુ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હોવા છતાં દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ સ્ફોટક છે. સીએએ અંગે દિલ્હીમાં ભડકેલી હિંસામાં ગંભીર રીતે ઘવાયેલા ૭ લોકોના જીટીબી હોસ્પિટલમાં મૃત્યુ નીપજતા મૃત્યુઆંક વધીને ૨૪ થઇ ગયો છે અને હજી પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. જ્યારે ઘવાયેલાઓનો આંકડો ૨૫૦ને પાર થઇ ગયો છે.
દિલ્હીમાં તોફાની તત્વોને દેખો ત્યાં ઠાર મારવાના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો હોવા છતાં બુધવારે પણ ઉત્તરપૂર્વ દિલ્હીમાં હિંસાના છુટાછવાયા બનાવો સર્જાયા છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પથ્થરમારા, આગ ચાંપવા અને તોડફોડની ઘટનાઓ સર્જાયા બાદ જાફરાબાદ, મૌજપુર, બાબરપુર અને ચાંદબાગ વિસ્તારમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. દિલ્હીની હિંસા હજી પણ કાબૂ હેઠળ નહીં હોવાથી લોકોને કારણ વગર ઘરેથી બહાર નહીં જવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે દિલ્હીમાં સર્જાઇ રહેલા હિંસાના બનાવોને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સેના તૈનાત કરવાની માગણી કરી છે.
દિલ્હીની હિંસા અંગે પહેલી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકોને શાંતિ અને ભાઇચારની અપીલ કરી છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલને દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય પરિસ્થિતિની પુનઃસ્થાપના કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ડોવાલે બુધવારે સાંજે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાની સમીક્ષા કરી હતી અને જણાવ્યું કે દિલ્હીમાં પુરતા પ્રમાણમાં દળો હોવાથી ડરવાની કોઇ જરૂર નથી.
મહત્વની ૧૦ બાબતો
૧. પીએમ મોદીએ એવું ટિ્વટ કર્યું કે દિલ્હીના વિભિન્ન ભાગોમાં પ્રવર્તમાન સ્થિતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી છે. વડાપ્રધાને લોકોને શાંતિ, ભાઇચારો અને એખલાસ જાળવી રાખવાની અપીલ કરી.
૨. દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં બુધવારે સવારે હિંસાની ઘટનાઓ સર્જાઇ છે. દુકાનોને આગ ચાંપવામાં આવી અને તોડફોડ કરવામાં આવી.
૩. દિલ્હીના ચાંદબાગ વિસ્તારના એક નાળામાંથી આઇબી અધિકારી અંકિત શર્માનું શબ મળી આયું છે. મંગળવારે સાંજે તેઓ ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ટોળા દ્વારા પુલ પર તેમના પર હુમલો કરાયો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી.
૪. કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ કેન્દ્ર સામે આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું કે કાવતરાના પરિણામે દિલ્હીમાં હિંસા સર્જાઇ છે. સોનિયા ગાંધીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માગણી કરી છે. તેમણે એવો પ્રશ્ન કર્યો કે છેલ્લા એક સપ્તાહથી ગૃહ પ્રધાન શું કરી રહ્યા હતા ? તેમણે કહ્યું કે પરિસ્થિતિ વણસતી જોઇને પણ ગૃહ મંત્રાલયે વહેલા અર્ધ-લશ્કરી દળો કેમ ન બોલાવ્યા ? દિલ્હીની આ પરિસ્થિતિ માટે ગૃહ પ્રધાન સહિત કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ તાકીદે રાજીનામાની માગણી કરે છે.
૫. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે હિંસાગ્રસ્ત સીલમપુર, જાફરાબાદ, મૌજપુર અને ગોકુલપુરી ચોક જેવા વિસ્તારોની મંગળવારે મોડી રાત્રે મુલાકાત લીધી હતી અને ટોચના પોલીસ અધિકારીઓને મળ્યા હતા. લોકોને દિલ્હી પોલીસના ઇરાદાઓ અને ક્ષમતાઓ પર શંકાઓ છે. ડોવાલે કહ્યું કે લોકોએ પોલીસ પર ભરોસો કરવાની જરૂર છે.
૬. હિંસા ફાટી નીકળી ત્યારે પોલીસની નિષ્ક્રિયતાને કારણે દિલ્હી પોલીસની આકરી ટીકા કરવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પોલીસની ગોઠવણી નહીં કરવા બદલ પણ પોલીસની ટીકા કરાઇ છે. જ્યારે દિલ્હીના પોલીસ કમીશનર અમૂલ્ય પટનાયકે જણાવ્યું કે ગૃહ મંત્રાલયનું અમને સમર્થન છે અને પુરતા પ્રમાણમાં અમારી પાસે દળો છે.
૭. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સેના બોલાવવાની માગણી કરી છે. હિંસાને પહોંચી વળવા માટે સેના તૈનાત કરવાનો ગૃહ મંત્રાલયે ઇનકાર કરી દીધો છે અને પોલીસ તેમ જ અર્ધ-લશ્કરી દળો પુરતા પ્રમાણમાં હોવાનું જણાવ્યું હતું.
૮. દિલ્હી હાઇકોર્ટે મંગળવારે મોડી રાત્રે રવિવારથી દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસામાં ઘવાયેલાઓને સલામત રીતે હોસ્પિટલે જવા અને ઇમરજન્સી સારવારની ખાતરી કરવાનો પોલીસને આદેશ આપ્યો છે. કોર્ટે ઘવાયેલાઓને સલામત રીતે હોસ્પિટલ સુધી પહોંચવા માટે પુરતી સુવિધાઓ પુરી પાડવાની માગણી કરતી અરજીની તાકીદે સુનાવણી કરી હતી.
૯. દિલ્હીની હિંસાને ધ્યાનમાં રાખીને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં બુધવારે લેવામાં આવનારી સીબીએસઇની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર ઉત્તરપૂર્વ દિલ્હીમાં સોમવાર રાત્રિથી ભીડના એકત્રિત થવા સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
૧૦. સરકારી સૂત્રોએ જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની યાત્રાના સમયે દિલ્હીમાં સર્જાયેલી હિંસા આયોજિત રીતે કરાવવામાં આવી હોવાનું લાગે છે.
ગુજરાત મોડેલ દિલ્હી પહોંચ્યું ત્યારે નીરો જમી રહ્યા હતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાનાં પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પના માનમાં મંગળવારે સાંજે યોજવામાં આવેલા ભોજન સમારંભ માટે રાષ્ટ્રપતિ ભવનમાં ઝગમગાટ હતો અને છત પર અમેરિકી ધ્વજ ફરકી રહ્યો હતો. મંગળવારની રાત સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તરપૂર્વ દિલ્હીની હિંસા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું અને બંનેએ હિંસા વિશે જાહેરમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. લોકોને શાંતિ જાળવવાની સીધી અપીલ કરવાથી પણ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ દૂર રહ્યા હતા. દક્ષિણ એશિયાના વિશ્લેષક માઇકલ કુગલમેને મંગળવારે રાત્રે એવું ટિ્વટ કર્યું કે દિલ્હીમાં હિંસા ચાલુ રહી હોવા છતાં ભારત સરકારના ટોચના સ્તરે મૌન ધારણ કરવામાં આવ્યું હતું. ઘણા વર્ષોમાં આ બાબત સૌથી ખરાબ જોવા મળી પરંતુ દુઃખદરીતે આ કોઇ આશ્ચર્યજનક નથી. આવી પળોમાં શાંતિ અને એકતાની હાકલ કરવાનું અત્યંત જરૂરી હોય છે પરંતુ આવી હાકલ સરકારના ટોચના સ્તરેથી ક્યાંયથી પણ સાંભળવામાં આવી ન હતી.
દરમિયાન,નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અંગે ઉત્તરપૂર્વ દિલ્હીમાં સર્જાયેલી હિંસાએ અત્યાર સુધી ૨૪ લોકોનો ભોગ લીધો છે અને ૨૫૦થી વધુ લોકો ઘવાયા છે. અત્યાર સુધી તો પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં દિલ્હી પોલીસ નિષ્ફળ નીવડી છે. માર્ગો અને શેરીઓમાં દોડી રહેલા તોફાની તત્વો સંપત્તિઓ અને દુકાનોને આગ ચાંપી રહ્યા છે, દુકાનો લૂંટી રહ્યા છે અને પથ્થરમારો કરી રહ્યા છે. એટલું જ નહીં નિર્દયી રીતે લોકોને માર મારી રહ્યા છે. દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ અને અર્ધ-લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હોવા છતાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.
અમેરિકાએ ઉત્તરપૂર્વ દિલ્હીમાં હિંસા અંગે ભારતમાં
તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી
વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અંગે ઉત્તરપૂર્વ દિલ્હીમાં સર્જાયેલી હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતમાં અમેરિકી દૂતાવાસે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઇઝરીમાં ભારતનો પ્રવાસ ખેડી રહેલા અમેરિકી નાગરિકોને પૂર્વોત્તર દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં નહીં જવા અને હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકી એડવાઇઝરીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે બધા જ અમેરિકી નાગરિક સ્થાનિક મીડિયાના અહેવાલો પર ધ્યાન રાખે અને હિંસક પ્રદર્શનો, રોડ કે મેટ્રો સેવાઓ બંધ હોવા કે પછી કરફ્યુ લાદવાના સંદર્ભમાં અપડેટ રહે.
કેજરીવાલના ઘર પાસેથી દેખાવકારોને હટાવવા દિલ્હી પોલીસે પાણીનો મારો ચલાવ્યો
બીજી તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર હિંસાના દોષિતોની વિરૂદ્ધ કાર્યવાહી કરવા અને વહેલી તકે શાંતિ સ્થાપવાની માંગ કરી રહેલા લોકોને પોલીસે હટાવી દીધા છે. પોલીસે સ્ટુડન્ટ્સ પર પાણીનો મારો ચલાવ્યો. મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ મુખ્યમંત્રી આવાસની બહાર ‘કેજરીવાલ બહાર આઓ, હમસે બાત કરો’ના નારા લગાવી રહ્યા હતા. જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને જામિયા કો-ઓર્ડિનેશન કમિટીના લોકોએ કેજરીવાલના ઘરે ભેગા થવા લોકોને આહવાન કર્યું હતું. લોકોએ ઉત્તર-પૂર્વીમાં ચાલી રહેલી હિંસક અથડામણોને રોકવા અને દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. આની સાથે દિલ્હીમાં શાંતિ બહાલ કરવા કહ્યું હતું. મંગળવારે કેજરીવાલે ગૃહમંત્રીને પોલીસદળ તૈનાત કરવા કહ્યું હતું.
દિલ્હીમાં હિંસાના ચાર દિવસ બાદ પીએમ મોદીએ શાંતિ જાળવવાની અપીલ કરી
વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અંગે ઉત્તરપૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસામાં ૨૪ લોકો માર્યા ગયા અને ૨૫૦થી વધુ લોકો ઘવાયાના ચાર દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શાંતિ અને એખલાસ જાળવવાની અપીલ કરતું ટિ્વટ કર્યું છે. તેમણે કહ્યું કે શાંતિ અને સદભાવ આપણો સ્વભાવ છે. હું દિલ્હીના ભાઇઆ અને બહેનોને શાંતિ અને ભાઇચારાની અપીલ કરું છું. ઝડપથી શાંતિ અને સ્થિતિ સામાન્ય થવી જરૂરી છે. પીએમ મોદીએ એક બીજા ટિ્વીટમાં કહ્યું કે તેમણે દિલ્હીની સ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીના વિભિન્ન હિસ્સાઓની સ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવ્યો છે. પોલીસ અને બીજી એજન્સીઓ સ્થિતિ સામાન્ય બનાવા માટે કામ કરી રહી છે. પીએમ મોદીએ એવું ટિ્વટ કર્યું કે દિલ્હીના વિભિન્ન ભાગોમાં પ્રવર્તમાન પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી છે.