(એજન્સી) ચેન્નઈ, તા.૩
દિલ્હીમાં થયેલી કોમી હિંસાને વખોડ્યાના દિવસો બાદ, તમિલ ફિલ્મોના સુપરસ્ટાર અને રાજનેતા રજનીકાંતે જણાવ્યું હતું કે, દેશમાં શાંતિ સ્થાપિત કરવામાં કોઈ ભૂમિકા ભજવવાની તેમની ઈચ્છા છે. મુસ્લિમ સંગઠનના કેટલાક નેતાઓ સાથે મુલાકાત બાદ તેમણે આ ટિ્વટ કરી હતી.
રજનીકાંતે પોતાની ટિ્વટમાં જણાવ્યું હતું કે, હું મુસ્લિમ નેતાઓની એ વાત સાથે સંમત છું કે, દેશનો મુખ્ય ઉદ્દેશ પ્રેમ, એકતા અને શાંતિ હોવો જોઈએ. આજે સવારે રજનીકાંતે મુસ્લિમ સંગઠન ‘તમિલનાડુ જમાત્તુલ ઉઆમાં સબઈ’ના સભ્યો સાથે મુલાકાત કરી હતી. ૬૯ વર્ષીય અભિનેતાના પોશ ગાર્ડન ખાતેના નિવાસે આ બેઠક યોજાઈ હતી. ગત સપ્તાહે રજનીકાંતે દિલ્હીમાં થયેલા તોફાનો મામલે કેન્દ્રની ભાજપ સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, હિંસા સામે કડક હાથે કામગીરી કરવી જોઈએ. જો સત્તામાં રહેલા લોકો આ રમખાણો પર કાબૂ ન મેળવી શકતા હોય તો તેમણે રાજીનામું આપી ઘરે બેસવું જોઈએ.