-
ફી કમિટી દ્વારા સૌપ્રથમ એફિડેવિટ કરનારી સ્કૂલોની ફી નક્કી કરી જાહેર કરાશે
-
દરખાસ્ત કરનારી સ્કૂલોની હિયરીંગની કામગીરી પૂર્ણતાના આરે, ટૂંકમાં હુકમો થશે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ તે પહેલાથી સ્કૂલોની ફી નક્કી કરવા માટે દરખાસ્ત મંગાવવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સ્કૂલોની ફી નક્કી થઈ શકી નથી. જોકે, હવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફી કમિટી દ્વારા દિવાળી વેકેશન બાદ એક પછી એક સ્કૂલોની ફી નક્કી કરી તેના હુકમો જાહેર કરશે. હાલમાં મોટાભાગની હિયરીંગની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં સૌપ્રથમ એફિડેવીટ કરનારી સ્કૂલોની ફી જાહેર કરવામાં આવ્યા બાદ દરખાસ્ત કરનારી સ્કૂલોની ફી જાહેર કરવામાં આવશે. આમ, દિવાળી વેકેશન બાદ સ્કૂલોની ફીના ઓર્ડર આવવાના શરૂ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં ૭ જૂન, ૨૦૨૧થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. આ સત્ર પહેલા જ સ્કૂલો પાસેથી નવા વર્ષની ફી નક્કી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં સ્કૂલો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી. જે સ્કૂલોની ફી સરકાર દ્વારા નક્કી કરેલા ધોરણ કરતા ઓછી છે તેવી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ એફિડેવીટ કરવાની હોય છે. જ્યારે સરકારના ધોરણ કરતા વધુ ફી લેવા માંગતી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. આમ, નિયત સમયમર્યાદામાં મોટાભાગની તમામ સ્કૂલોએ એફિડેવીટ અને દરખાસ્ત ફી કમિટી સમક્ષ કરી દીધી હતી.
જોકે, આ દરખાસ્ત અને એફિડેવીટ મળ્યા બાદ પણ પ્રથમ સત્ર પુર્ણ થયા સુધીમાં માત્ર ગણ્યા ગાંઠ્યા સ્કૂલોના જ ઓર્ડર ફી કમિટી દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે, હવે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ ઝડપથી ઓર્ડર ઈશ્યુ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ફી કમિટી દ્વારા સ્કૂલોના હિયરીંગ સહિતની કામગીરી પૂર્ણ કરી લીધી છે અને અમુક કિસ્સામાં સ્કૂલોને ફરી હિયરીંગ માટે બોલાવવામાં આવનાર હોઈ તેમના કેસ અલગ તારવવામાં આવ્યા છે. ઉપરાંત એફિડેવીટના કિસ્સામાં તો મોટાભાગની સ્કૂલોએ એફિડેવીટમાં જે ૧૦ ટકા વધારા સાથે ફી માંગી હતી તે મંજૂરી કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે જે સ્કૂલોએ ૧૦ ટકા કરતા વધુ ફી વધારો માંગ્યો હતો તેમના હિયરીંગ બાદ ઓર્ડર તૈયાર થઈ રહ્યા છે.
આમ, દિવાળી વેકેશન બાદ ફી કમિટી દ્વારા સૌપ્રથમ એફિડેવીટ કરનારી સ્કૂલોની ફીના ઓર્ડર ઈશ્યુ કરશે. આ સ્કૂલોએ નિયમ મુજબનો ફી વધારો માંગ્યો હોય તેમના ઓર્ડર બાદ બાકી રહેલી સ્કૂલોના ઓર્ડર થશે. જ્યારે દરખાસ્ત કરનારી સ્કૂલોની પણ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાથી દિવાળી વેકેશન બાદ તે સ્કૂલોના પણ ઓર્ડર ઈશ્યુ કરવામાં આવશે. આ ઓર્ડર સામે વાંધો હોય તો સ્કૂલો ફરી અપીલમાં જઈ શકે તેવી જોગવાઈ પણ કરવામાં આવેલી છે અને તેમાં પણ સંતોષ ન હોય તો રાજ્ય કક્ષાની કમિટી સમક્ષ પણ જઈ શકે છે.