ભારતે ટી-૨૦ વર્લ્ડકપમાં સ્કોટલેન્ડને ૧૫૦ રને કચડી નાંખ્યું
નવી દિલ્હી, તા.૨૮
ગોંગાડી તૃષાએ આઇસીસી મહિલા અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ઇતિહાસ રચી દીધો છે. ગોંગાડી તૃષા આઇસીસી અન્ડર-૧૯ વર્લ્ડકપમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગઈ છે. ૨૦૨૩માં પણ આ ટુર્નામેન્ટની એક એડિશન રમાઈ ચૂકી છે પણ તે સિઝનમાં પણ કોઈપણ બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી. આ વખતે ભારતીય દીકરીએ આ કમાલ કરી દીધો છે. તૃષાએ ૫૩ બોલમાં ૧૨ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી પોતાની સદી પૂરી કરી છે. તેનો સ્ટ્રાઇક રેટ આ દરમ્યાન લગભગ ૧૮૯નો હતો. ગોંગાડી તૃષા આ સાથે જ આઇસીસી મહિલા અન્ડર-૧૯ વિશ્વકપમાં હાઇએસ્ટ સ્કોર બનાવનારી ખેલાડી પણ બની ગઈ છે. ભારતે આઇસીસી અન્ડર-૧૯ મહિલા ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૫માં વિજયી રથ જાળવી રાખ્યો છે. ભારતે મંગળવારે સુપર સિક્સ રાઉન્ડમાં પોતાની અંતિમ મેચમાં સ્કોટલેન્ડને ૧૫૦ રને ધૂળ ચટાડી છે. ભારતની આ જીત વિશેષ છે. વાસ્તવમાં ભારતે ટુર્નામેન્ટમાં પોતાની સૌથી મોટી જીત મેળવી છે. નિકી પ્રસાદના નેતૃત્વવાળી ટીમ પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે સતત પાંચ મેચોમાં વિજય મેળવ્યો છે. તૃષાની લાજવાબ સદીની મદદથી ભારતે એક વિકેટે ૨૦૮ રન બનાવ્યા હતા અને સ્કોટલેન્ડને ૧૪ ઓવરમાં ફક્ત ૫૮ રનમાં સમેટી દીધું. તૃષા અને કમાલિની વચ્ચે પ્રથમ વિકેટ માટે ૧૪૭ રનની ભાગીદારી થઈ હતી. કમાલિનીએ ૪૨ બોલમાં નવ ચોગ્ગાની મદદથી ૫૧ રન બનાવ્યા હતા.