National

દેશમાં દરરોજ ૧૯ કરોડ લોકો ભૂખે મરે છે અને સરકારી ગોડાઉનોમાં લાખો ટન અનાજ સડી રહ્યું છે

 

૨૦૧૧થી ૨૦૧૭ દરમ્યાન FCI નું ૬૨,૦૦૦ ટન અનાજ બગડી ગયું હતું, એકલા ૨૦૧૬-૧૭ના એક વર્ષમાં જ ૮૬૦૦ ટન અનાજ સડી ગયું હતું, આ આંકડાકીય માહિતી ઉપરથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે સરકારી ગોડાઉનોમાં દર વર્ષે સરેરાશ ૧૦,૦૦૦ ટન અનાજ ઘોર બેદરકારીના કારણે સડી જાય છે

(એજન્સી) તા.૧૦
ગ્લોબલ હંગર (ભૂખમરો) ઇન્ડેક્ષના ૨૦૧૯ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત આ ઇન્ડેક્ષમાં સમાવિષ્ટ ૧૧૭ દેશોમાંથી ૧૦૨માં ક્રમે આવે છે, અર્થાત ભૂખમરાની બાબતમાં ભારત નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો કરતાં પણ ઘણું પાછળ છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ મુજબ ભારતમાં દરરોજ ૧૯.૪૦ કરોડ લોકો ભૂખે મરે છે જે વિશ્વભરમાં પથરાયેલી કુપોષણ ધરાવતી કુલ વસ્તીના ૨૩ ટકા જેટલા લોકો છે.
ભારતમાં સૌથી મોટો વિરોધાભાસ એ જોવા મળે છે કે ભારત અનાજના ઉત્પાદનની બાબતમાં વર્ષો પહેલાં સંપૂર્ણ સ્વાવલંબી થઇ ગયું હોવાં છતાં આજે દેશમાં કરોડો લોકો ભૂખે મરે છે અને સરકારી ગોડાઉનોમાં લાખો ટન અનાજ સડી રહ્યું છે. આપણે દેશની કુલ વસ્તીનું પેટ ભરવા જરૂરી અનાજ કરતાં પણ વધુ અનાજનું ઉત્પાદન કરીએ છીએ (૨૦૧૮-૧૯માં ભારતે ૨૮,૩૩,૭૦,૦૦૦ લાખ ટન અનાજનું ઉત્પાદન કર્યું હતું). બાજરીના ઉત્પાદનમાં આપણે સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે છીએ અને ચોખા તથા ઘઉંના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે છીએ. શાકભાજી અને ફળોનું ઉત્પાદન પણ આપણે જરૂર કરતાં વધુ કરીએ છીએ. કૃષિ પેદાશોની કુલ નિકાસમાં પણ ધરખમ વધારો નોંધાયો છે.
શું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ સમસ્યાનો ઉકેલ લાવી શકશે ?
ભારત સરકારે ૧૯૬૫માં ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ પ્રણાલી મંત્રાલય હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)ની રચના કરી હતી. આ સંસ્થા સમગ્ર વિશ્વમાં બીજા નંબરની અને એશિયામાં પહેલા નંબરની સૌથી મોટી ફૂડ ચેઇન મેનેજમેન્ટ સંસ્થા ગણાય છે. ખેડૂતો પાસેથી ખરીદેલા અનાજનો સંગ્રહ કરવા આ સંસ્થાએ દેશભરમાં તેના ગોડાઉન ઊભા કર્યા છે. કમિશન ઓફ એગ્રિકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસ દ્વારા નિર્ધારિત લઘુતમ ટેકાના ભાવે એફસીઆઇ સીધા ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે. એફસીઆઇને ઘઉંના કુલ ઉત્પાદનના ઓછામાં ઓછા ૧૫થી ૨૦ ટકા જેટલી અને ચોખાના કુલ ઉત્પાદનના ૧૨થી ૧૫ ટકા જેટલી ખરીદી કરવી ફરજિયાત છે.
એફસીઆઇની સ્થાપના કરવા પાછળ બજારમાં અનાજના ભાવોમાં થતી ચડ-ઉતરને સંતુલિત કરવાનો અને અણધારી આફતને પહોંચી વળવાનો મુખ્ય આશય હતો. વિવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓ અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત સંગ્રહ કરાયેલી અનાજ જાહેર વિતરણ વ્યવસ્થા માટે છૂટું કરવાનું હોય છે અને વધારાનું અનાજ ઓપન માર્કેટ સેલ્સ સિસ્ટમ હેઠળ વેચી દેવાનું હોય છે. અનાજના બફર સ્ટોકના નિયમ મુજબ એફસીઆઇએ ૨.૧૪ કરોડ ટન અનાજનો સંગ્રહ ફરજિયાત કરી રાખવાનો હોય છે પરંતુ સરકારે એવી જાહેરાત કરી હતી કે એફસીઆઇ પાસે હાલ ૭.૪૪ કરોડ ટન અનાજનો જથ્થો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો છે.
અનાજનો બગાડ
વિવિધ પ્રકારના અવરોધોના કારણે એફસીઆઇને ૩૦ ટકા જેટલા અનાજનો ખુલ્લી જગ્યાઓમાં સંગ્રહ કરવો પડે છે જ્યાં અનાજની ગુણોને ફક્ત તાડપત્રીથી ઢાંકેલી રાખવામાં આવે છે. ખુલ્લી જગ્યામાં અનાજ રાખવું સૌથી વધુ જોખમી છે, કેમ કે તે અનાજમાં ભેજ અને ફૂગ લાગવાની અને વરસાદ કે પૂરના સમયે અનાજ પલળી જવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે અને જો તેમ થાય તો સરવાળે તે અનાજ સડી જાય છે અને તેની ગુણવત્તા તદ્દન ખરાબ થઇ જાય છે. છેવટે તે સડેલું અનાજ માણસને ખાવાલાયક ન રહેતાં તેને ઢોરોનું ખાણ બનાવવા, ખાતર બનાવવા અને ઉદ્યોગોને જુદા જુદા હેતુ માટે વેચી દેવામાં આવે છે. કેરળમાં એફસીઆઇના એક ગોડાઉનમાં હજારો ટન અનાજ સડી જતાં તેને જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું જે અંગે બાદમાં ભારે હોબાળો મચી ગયો હતો. એફસીઆઇના ગોડાઉનોમાં દર વર્ષે હજારો ટન અનાજ ઉંદરો પણ ખાઇ જાય છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે જારી કરેલી આંકડાકીય માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૧૧થી ૨૦૧૭ દરમ્યાન એફસીઆઇનું ૬૨,૦૦૦ ટન અનાજ બગડી ગયું હતું. એકલા ૨૦૧૬-૧૭ના એક વર્ષમાં જ ૮૬૦૦ ટન અનાજ સડી ગયું હતું. આ આંકડાકીય માહિતી ઉપરથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે સરકારી ગોડાઉનોમાં દર વર્ષે સરેરાશ ૧૦,૦૦૦ ટન અનાજ ઘોર બેદરકારીના કારણે સડી જાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ તો વળી એમ કહે છે કે ખુલ્લામાં અનાજનો સંગ્રહ કરવાના કારણે દર વર્ષે અંદાજે ૧૮ લાખ ટન અનાજ સડી જાય છે જ્યારે કર્મચારીઓના ભ્રષ્ટાચારના કારણે દર વર્ષે ૨.૫૯ કરોડ ટન ચોખા સડી જાય છે અથવા તો તેનો બગાડ થાય છે. સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થાના અભાવે દર વર્ષે કુલ ઉત્પાદિત પૈકી ૧૬ ટકા જેટલા ફળો-શાકભાજી પણ સડી જાય છે. ભારત દ્વારા દર વર્ષે જેટલાં અનાજ-શાકભાજીનો બગાડ થાય છે તેની કુલ કિંમત ૧૪ અબજ ડોલર જેટલી થાય છે.
જે દેશમાં કરોડો લોકો દરરોજ ભૂખમરાનો શિકાર થતાં હોય તે દેશમાં ઘઉં અને ચોખા જેવા મહત્વના અનાજનો બગાડ ખરેખર અત્યંત ક્રૂર અને ઘાતકી છે. હવે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે દેશવ્યાપી લોકડાઉનના કારણે દારૂણ ગરીબીમાં ધકેલાઇ ગયેલા ગરીબ લોકોને અનાજનું વિતરણ કરવા ઇચ્છતા ચેરીટેબલ ટ્રસ્ટ અને બિન સરકારી સંગઠનો (એનજીઓ) સસ્તા ભાવે (ચોખા પ્રતિ ક્વિન્ટલ રૂા.૨૨૫૦ અને ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂા.૨૧૩૫ના ભાવે) એફસીઆઇ પાસેથી સીધું અનાજ ખરીદી શકશે. જો કે જૂનો સ્ટોક ખાલી કરવા અને નવા સ્ટોક માટે જગ્યા કરવા આ જાહેરાત કરાઇ હોય તેમ લાગે છે.
– સુબ્રમણિ અરૂમુગમ
(નેશનલ જનરલ સેક્રેટરી, વેલ્ફેર પાર્ટી ઓફ ઇન્ડિયા)
(સૌ. : ઈન્ડિયા ટુમોરો.નેટ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.