સમાજમાં ધ્રૂવીકરણની રાજનીતિ કરતા ભાજપ સામે સમાજના તમામ વર્ગોએ એકજૂથ થવું પડશે

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની આગેવાનીમાં જમિયતે ઉલ્માએ હિંદ અર્શદ મદની ગ્રુપ સહિત મુસ્લિમ સમાજના સામાજિક અને ધાર્મિક આગેવાનોના પ્રતિનિધિમંડળે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉનાના પીડિત દલિત યુવાનોની મુલાકાત લીધી હતી તે વેળાની તસવીર.
અમદાવાદ, તા.ર૮
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની આગેવાનીમાં મુસ્લિમ સમાજના સામાજિક અને ધાર્મિક આગેવાનોએ આજરોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉનાના પીડિતોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તેમણે એકીઅવાજે આ ઘટનાને વખોડી જણાવ્યું હતું કે શોષિત દલિત સમાજ સહિત લઘુમતી, પટેલ, બ્રાહ્મણ, જૈન, બક્ષીપંચ કે આદિવાસી કોઈપણ સમાજ ઉપર અત્યાચાર ગુજારવામાં આવશે તો મુસ્લિમ સમાજ તમામ વર્ગો સાથે ખભેખભા મિલાવી આવી નિંદનીય ઘટનાઓનો ઉગ્ર વિરોધ કરશે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની આગેવાની હેઠળ જમીયતે ઉલમાએ હિન્દ અર્શદ મદની (ગ્રુપ), મુફતી મતીન, ઝુબેરભાઈ, મુમતાઝ મસાલાવાળા, મૌલવી સલમાન, રીઝવાન સૈયદ, નઈમભાઈ ચપ્પલવાલા સહિત મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉના ખાતેના પીડિતોની સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મુલાકાત લીધી હતી.
ગ્યાસુદ્દીન શેખે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉનાની ઘટના બાદ ગુજરાત સરકાર, ભાજપ અને વડાપ્રધાન મોદી હવે કંઈક પગલા ભરશે તેવું લાગતું હતું અને આવી ઘટનાઓ બંધ થશે પરંતુ મધ્યપ્રદેશમાં મંદસૌરની ઘટના બનતા આ માન્યતા ખોટી ઠરી છે. સમાજને વિભાજીત કરી ધ્રુવીકરણની રાજનીતિ કરતા ભારતીય જનતા પાર્ટી સામે સમાજના તમામ વર્ગોએ એકજૂટ થવું પડશે. મુસ્લિમ આગેવાનોએ ઉના ખાતે દલિત સમાજ પર થયેલ અત્યાચારને સખત શબ્દોમાં વખોડી તેમને ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે જણાવ્યું છે કે વર્તમાન સરકારે પાટીદાર સમાજના ૧૦ યુવાનોને બેફામ ગોળીબાર કરી મૃત્યુ નિપજાવી અનામત માંગનારાઓને રાષ્ટ્રદ્રોહના ગુનામાં જેલમાં પુરી દીધા અને પાટીદાર સમાજના હજારો નિર્દોષ યુવાનોને અત્યાચાર ગુજારી ખોટા કેસમાં જેલમાં પુરી દીધા તે ઘટનાને પણ અમો સખત શબ્દોમાં વખોડીએ છીએ. મુસ્લિમ સમાજ હિન્દુ સમાજની ભાવનાઓનો આદર કરી ગાયનું કતલ કરતા નથી અને કાયદાનું સન્માન કરી કરવી પણ ના જોઈએ. પરંંતુ એફએસએલના પરીક્ષણ પહેલા ખોટી શંકાના આધારે ગૌરક્ષાના નામે ગુંડાગીરી કરવી તે વખોડવા લાયક છે. પોલીસ વિભાગ પણ કોઈપણ માંસ પકડી એફએસએલ પરીક્ષણ પહેલા સીધું જ ગૌમાંસ પકડાયું તેવું નિવેદન કરે છે તેનાથી સમાજમાં અવળી અસર પડે છે. પોલીસ વિભાગે પણ આ સંવેદનશીલ મુદ્દે એફએસએલ પરીક્ષણના આધારે જ કરવું જોઈએ અને જો ગૌમાંસ હોય તો કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ. ગૌમાંસના નામે હિંસાને અત્યાચારનો રાષ્ટ્રવ્યાપી વિવાદ ઉત્તરપ્રદેશમાં દાદરી ગામે મહંમદ અખલાકની હત્યાથી થયો હતો. હુમલાખોરોને આ માનવીય કાર્યવાહી માટે એટલી શંકા જ પૂરતી લાગી કે અખલાકના ઘરના ફ્રીજમાં ગૌમાંસ હતું. વિદેશી ઘટનાઓ વિશે તત્કાલ ટિ્વટ કરતા વડાપ્રધાનને ઘર આંગણે આ મુદ્દે કશું બોલવા જેવું ન લાગ્યું અને અસહિષ્ણુતા એવોર્ડ વાપસીનો સિલસિલો શરૂ થયો ત્યારથી ઉના ઘટના અને એ પછી પણ શું બદલાયું છે. હાલ મધ્યપ્રદેશમાં બે મુસ્લિમ મહિલાઓ પર તેમની પાસે ગૌમાંસ હોવાની શંકા સાથે ટોળાએ હુમલો કર્યો. આ બધામાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી અને ટોળાને રોકવામાં નિષ્ફળ રહી. મંદસૌરમાં બનેલ ઘટનાને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત જમીયતે ઉલમાએ હિન્દ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી મારઝૂડની વીડિયો જોયા બેશરમીપૂર્વક કહે છે કે હુમલાનો ભોગ બનનાર સ્ત્રી ફરિયાદ કરશે તો હુમલાખોરો સામે પગલા લેવામાં આવશે અને ભાજપના એક ધારાસભ્ય યશપાલ સિસોદીયા કહે છે એ સ્ત્રીઓ ગુનેગાર હતી અને તેમને મારનાર પણ સ્ત્રીઓ જ છે એટલે આ તો ક્રિયા સામેની પ્રતિક્રિયા છે. ક્રિયા-પ્રતિક્રિયા સાંભળીને ગુજરાતની હિંસા વખતનું તત્કાલિન મુખ્યમંત્રી મોદીનું વિધાન યાદ આવી જાય છે. સામાન્ય સંજોગોમાંં અભિવ્યક્તિમાં નિપુણ મનાતા વડાપ્રધાન દાદરીથી ઉના સુધીનું મૌન ઘણું નિંદનીય છે. વડાપ્રધાને ખોખારીને એ કહેવાની જરૂર છે કે ગાયના નામે ચાલતી ગુંડાગીરી નહીં ચલાવી લેવાય.