International

ધી હેગ ગ્રુપના ૯ જેટલા દેશોએ પેલેસ્ટીન દેશને ટેકો જાહેર કર્યો

હેગ ગ્રુપના રાષ્ટ્રોએ ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય અપરાધોની સામે મૌન બેસી રહેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે અને પેલેસ્ટીની હેતુને અને તેની પ્રજાને પૂરેપૂરૂં સમર્થન જાહેર કર્યું છે 

(એજન્સી)                    લંડન, તા.ર
પેલેસ્ટીન પ્રજાના અધિકારોનું સમર્થન કરતા હેગ ગ્રુપના ૯ જેટલા દેશોએ જાહેર કર્યું છે કે ઇઝરાયેલ દ્વારા જે યુદ્ધ અપરાધો આચરવામાં આવી રહ્યા છે તેની સામે હેગના રાષ્ટ્રો ચૂપ બેસી રહેશે નહીં. આ તમામ નવ દેશોએ પેલેસ્ટીનને સમર્થન જાહેર કર્યું છે.  હેગ ગ્રુપના દક્ષિણ આફ્રિકા, મલેશિયા, નામીબિયા, કોલંબિયા, બોલિવિયા, ચીલી, સેનેગલ, હોન્ડુરાસ તથા બેલીઝે દેશોએ હેગ શહેરમાં મળેલી એક બેઠકમાં મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા કરી હતી જેમાં આ તમામ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એક આંતરરાષ્ટ્રીય રાજકીય સંગઠન પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં ઇઝરાયેલ દ્વારા થઈ રહેલા આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ સામે કાનૂની તથા રાજદ્વારી અને આર્થિક પગલાં લેવા અને તેનું સંકલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  આ બેઠક પછી તમામ નવ દેશોએ ધ હેગ ગ્રુપ ડી રચના જાહેર કરી હતી અને કહ્યું હતું કે આવશ્યકતાને કારણે આ ગ્રુપનો જન્મ થયો છે. ગ્રુપના એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇઝરાયેલ દ્વારા જનતાનો નરસંહાર કરવામાં આવ્યો છે તેના કારણે આ પંથકમાં મોટી જાનહાનિ થઈ છે અને લોકોએ આજીવિકા ગુમાવી છે. પરિવારોના પરિવારો ખતમ થયા છે અને વેર-વિખેર થયા છે અને સાંસ્કૃતિક વારસો પણ ખતમ કરવામાં આવ્યો છે. પેલેસ્ટીનની પ્રજા સામે આ રીતે ઇઝરાયેલ દ્વારા સામૂહિક નિકંદનની કાર્યવાહી કરવામાં આવી છે એટલે આવા આંતરરાષ્ટ્રીય અપરાધો સામે આ દેશો ચૂપ બેસી રહેવાનો ઇન્કાર કરે છે. નિવેદન જણાવે છે કે પેલેસ્ટીન દેશ પરથી ઇઝરાયેલનો કબજો ખતમ થાય એ માટેની અમારી જવાબદારી પરિપૂર્ણ કરવા માટે ગ્રુપ કટિબદ્ધ છે અને પેલેસ્ટીન પ્રજાના અલગ દેશનો અધિકાર તથા એ પ્રજાના સ્વનિર્ધાર માટેના અધિકારો સહિતના તમામ અધિકારોએ પ્રજાને અપાવવા માટે અને તેને સમર્થન આપવા માટે ગ્રુપ કટિબદ્ધ છે. તદુપરાંત આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા ઇઝરાયેલી અધિકારીઓની યુદ્ધ અપરાધો બદલ સંદર્ભમાં રોમ સમજૂતી મુજબ જે કોઈ જવાબદારી છે એ જવાબદારી પૂરી થાય તે માટે સમર્થન આપવાનો પણ ગ્રુપ દ્વારા નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. વળી ઇઝરાયેલને હવે વધુ શસ્ત્રો તથા દારૂગોળો અને લશ્કરી કાર્યવાહીને લગતો સરસ સામાન મળે નહીં અને એ ત્યાં પહોંચતો અટકે એ માટે પણ પગલાં લેવાની ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ઇઝરાયેલને શસ્ત્રો, દારૂગોળો અથવા તો બળતણ લશ્કરી હેતુ માટે લઈ જઈ રહેલા કોઈ પણ પ્રકારના જહાજ કે વહાણને પોતાના બંદર પર ઊભા નહીં રહેવા દેવાનો પણ નિર્ધાર આ નવ દેશોએ વ્યક્ત કર્યો છે. પેલેસ્ટીન દેશ પરના ઇઝરાયેલના કબજાનો અંત આવે અને સ્વતંત્ર દેશ તરીકેના એ પ્રજાના અધિકાર સહિતના તમામ અધિકારો એ પ્રજાને મળે અને એ માટે આડે આવતા તમામ વિઘ્નો દૂર કરવામાં આવે એ માટે પણ અસરકારક પગલાં લેવાનો ગ્રુપ દ્વારા નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.