Ahmedabad

ધોરણ ૧થી ૯ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલી મંડળની સરકારને રજૂઆત

ર૦ર૦-ર૧ વર્ષનું ૯૦ દિવસનું જ સત્ર • ઓનલાઈન શિક્ષણથી અનેક વાલીઓ અસંતુષ્ટ

અમદાવાદ,તા.૧૭
રાજયમાં કોરોના મહામારીને પરિણામે લોકડાઉનના સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જો કે અનેક બાળકોએ આ શિક્ષણનો લાભ લીધો છે. જયારે અનેક બાળકો અને વાલીઓ ઓનલાઈન શિક્ષણથી સંતુષ્ટ નથી. બીજી તરફ સરકારે નવું શૈક્ષણિક સત્ર ૧ એપ્રિલ ર૦ર૧થી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કોરોનાની સ્થિતિ અને વધતા સંક્રમણના પ્રમાણ સહિતની બાબતોને જોતા ઓલ ગુજરાત વાલી મંડળે સરકારને રજૂઆત કરી છે કે ડિસેમ્બર સુધી સ્કૂલો ખુલે તેવી શકયતાઓ નથી. અને પરીક્ષાનું રિઝલ્ટ તૈયાર કરવું પણ આ સ્થિતિમાં અઘરૂ છે તેથી ધોરણ-૧થી ૯ના વિદ્યાર્થીઓને ગ્રેસ કરીને માસ પ્રમોશન આપી ઉપરના વર્ગમાં લઈ જવામાં આવે. આમ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય એવી માગ કરવામાં આવી છે. ઓલ ગુજરાત વાલી મંડળે રાજયના શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે કોરોના વાયરસની અનિશ્ચિતતાઓ વચ્ચે સ્કૂલોનું એક સત્ર પુરૂ થઈ ગયું છે તેમજ હજીએ સ્કૂલો ખોલવા અંગે અનિશ્ચિતતાઓ છે. ત્યારે ધોરણ ૧થી ૯ની પરિક્ષાઓ મોકૂફ રાખીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપરના વર્ગમાં પ્રવેશ આપવો જોઈએ. વાલી મંડળે સરકારને રજૂઆત કરતા કહ્યું છે કે, હવે ર૦ર૦-ર૧ના સત્રના ૯૦ દિવસ બાકી રહ્યા છે. ત્યારે સ્કૂલોએ પોતાની રીતે મુલ્યાંકન કરીને માસિક અથવા ત્રિમાસિક પરીક્ષા યોજી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે સરકારને રજૂઆત કરવી જોઈએ. આ પગલાંને લીધે કરોડો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા થશે. તે ઉપરાંત નવું સત્ર ર૧ એપ્રિલથી શરૂ થવાનું છે તેમાં તમામ સ્કૂલો અને શિક્ષણ વિભાગને પણ સવલત રહેશે. વાલી મંડળનું કહેવું છે કે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓનું હિત જળવાય અને આગામી સત્ર રાબેતા મુજબ શરૂ થાય તે માટે આ રજૂઆત કરવામાં આવી છે.

ધોરણ-૧થી ૮માં માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા
એક તરફ વાલી મંડળે કોરોના કાળમાં ૧થી ૯ ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ કરી છે તો બીજી તરફ રાજય સરકાર ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું કે નહીં તે અંગે વિચારણા કરી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. રાજયમાં શાળાઓ શરૂ થયાને ૪ મહિના જેટલો સમય નીકળી ગયો છે. જયારે વધુ સમય પણ નીકળી શકે છે. જયારે વાલીઓના અને કેટલાક શિક્ષકોના મતે કોરોના કેસમાં કેવી રીતે સ્કૂલે મોકલવા અને ઓનલાઈન શિક્ષણ પણ યોગ્ય રીતે મળી રહ્યું નથી. નેટવર્કના પણ પ્રશ્નો છે તેથી ભણવામાં કંઈ ભલીવાર આવ્યો નથી. તેથી માસ પ્રમોશનનો ઉકેલ યોગ્ય છે. જયારે બીજી તરફ કેટલાક માસ પ્રમોશનનો શાળા સંચાલકોના મતે માસ પ્રમોશનનો નિર્ણય અત્યારથી ઉતાવળીયો ગણાશે. આવી ચર્ચાઓ વચ્ચે સરકાર માસ પ્રમોશન આપશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.