(સંવાદદાતા દ્વારા) ધંધુકા, તા.૧૯
અમદાવાદ-ભાવનગર હાઈવે પર ધોલેરાથી સાત કિ.મી. દૂર સાંઢીડા ગામ પામે આઈસર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર બે મુસ્લિમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે બાળકના માતા-પિતા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતા અખ્તરભાઈ અલીમભાઈ કાઝી અને તેમના પત્ની અફરોજબેન અને બે પુત્રો આફતાબ (ઉ.વ.૧૪) અને મહંમદ ફૈઝ (ઉ.વ.૪) સાથે ભડિયાદ ઉર્સમાંથી રિક્ષા લઈને પરત ભાવનગર જતા રસ્તામાં આઈસરના ચાલકે રિક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જતા ઘટનાસ્થળે માસુમ બંને બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે અખ્તરભાઈ અને તેમના પત્ની ઈજાગ્રસ્ત બનતા પ્રથમ ધંધુકા આર.એમ.એસ.હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં જ ધંધુકા મુસ્લિમ અગ્રણી યુનુસભાઈ તલાટ, કાળુભાઈ મારૂ તથા સલીમભાઈ તલાટ હોસ્પિટલ ખાતે દોડી આવીને તાત્કાલિક સારવાર આપીને બંને બાળકોના મૃતદેહને ભાવનગર પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.
આ અંગે ધોલેરા પોલીસે આઈસર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.