પાલનપુર, તા. ર૮
પાલનપુર નજીક આવેલા સદરપુર ગામ નજીક નગરપાલિકાને ફાળવવામાં આવેલી ૩૫ એકર જમીન પૈકી ૨૦ એકર જમીનમાં વર્ષોથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હતો. જોકે, પાલિકાની ભાજપની બોડી દ્વારા આ સ્થળે પરવાનગી વિના જ રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત ૧૫૦૦ જેટલા આવાસો બનાવી દેવાયા હતા. અને રૂપિયા ૩૩.૫૦ કરોડનું ચૂકવણું કરી દેવાયું હતુ. દરમિયાન રૂપિયા ૩૩.૫૦ કરોડનું ચૂકવણું થયુ છે. તેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સદસ્યો સામે કલમ ૭૦ મુજબ વસુલાત કરી કલમ ૩૭ મુજબ સભ્યપદેથી સસ્પેન્ડ કરવા પાલિકાના વિરોધપક્ષના નેતાએ ગાંધીનગર કમિશ્નર મ્યુનિસિપલ એડમિનીસ્ટ્રેશનની કોર્ટમાં અપીલ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં રાજીવગાંધી આવાસ યોજના હરિપુરા વિસ્તારમાં આવેલા સર્વે નં.૧૨૮ અને ૧૨૯ માં બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હતી. પરંતુ ભાજપની બોડીએ સદરપુર ગામની સીમમાં સર્વે નં.૮૫ માં બનાવવાનું શરૃ કરવામા આવ્યુ હતુ. જેમાં સર્વે નં.૮૫ ની જગ્યા ૧૯૮૬ માં પાલનપુર નગરપાલિકાને ગટર યોજનાના ઓક્સીડેશન પોન્ડ માટે ફાળવવામાં આવી હતી. તેમાં વર્ષોથી ગંદા પાણીનો નિકાલ થઈ રહ્યો છે. તેની બાજુમાં જ રૂપિયા ૭ કરોડના ખર્ચે જી. યુ. ડી. સી. ગાંધીનગર દ્વારા બનાવવામાં આવેલ લેન્ડ ફીલસાઈટ ઘન કચરાના નિકાલ માટે બનાવેલ છે. દરમિયાન આ ૩૫૦૦૦ ચોરસ ફૂટ જમીન ઓકસીડેશન પોન્ટ માટે જરૂરીયાત ન હોઇ આ જમીન રાજીવ ગાંધી આવાસ યોજના માટે ફાળવવા માટે નગરપાલિકાના ચિફ ઓફિસરે નાયબ કલેકટરને દરખાસ્ત કરી હતી. આથી વર્તમાન કલેકટર સંદીપ સાગલે દ્વારા તપાસ કરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૫ એકર જમીન પૈકી બાકી રહેતી ૨૦ એકર જમીન ભુર્ગભગટર યોજના અને ઓકસીડેશન પોન્ડ માટે રાખેલી હતી. જેનો કાર્યસાધક ઉપયોગ થયેલ નથી. જે હેતુ માટે ગ્રાન્ટ કરેલ તે હેતુ માટે ઉપયોગ થયેલ નથી. જેથી, ગ્રાન્ટના હુકમની શરતોમાં ભંગ થાય છે. તેમજ નગરપાલિકાએ આ જમીનની જરૂરીયાત ન હોવાનું જણાવી તેના ઉપર પરવાનગી વગર રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનો બનાવી સ્પષ્ટપણે શરતભંગ કરેલો હોવાથી આ જમીન શ્રીસરકાર કરવાનો હૂકમ કર્યો છે. દરમિયાન રાજીવ ગાંધી આવાસ યોજનામાં પાલિકાની બોડી દ્વારા રૂપિયા ૩૩.૫૦ કરોડનું ચૂકવણું થયુ છે. આ મુદ્દે નગરપાલિકાના વિરોધપક્ષના નેતા અમૃતભાઇ જોષીએ ગાંધીનગર કમિશ્નર મ્યુનિસિપલ એડમિનીસ્ટ્રેશનની કોર્ટમાં અપીલ કરી છે. જેમાં જણાવાયું છે કે, ગંદાપાણીના નિકાલવાળી જગ્યામાં મકાનો બનાવી પેમેન્ટ ચૂકવણી નોંધમાં સહિઓ કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. આ તમામ ખર્ચ રૂપિયા ૩૩,૫૦,૦૦,૦૦૦ નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૭૦ મુજબ વસુલ લઇ તેમની ઉપર કલમ ૩૭ મુજબ પગલા લઇ નગરપાલિકાના સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો હૂકમ કરવો તેમજ બાકીના વીસ સદસ્યો જેમણે તમામ સાધારણસભામાં ચર્ચા કર્યા વિના એક થી બે મિનિટમાં મંજુર મંજુર કરી ચાલતી પકડી છે. તેમની પાસેથી પણ કલમ ૭૦ મુજબ વસુલાત કરી કલમ ૩૭ મુજબ પગલા લઇ પાલિકાના સભ્યપદેથી સસ્પેન્ડ કરવા જણાવ્યું છે. જેના પગલે પાલિકામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કામનો પ્રોગ્રેસ રિપોર્ટ હરિપુરાનો અપાયો હોવાની ચર્ચા
રાજીવ ગાંધી આવાસ યોજના હરિપુરામાં પાસ થઇ હતી. પરંતુ તેને સદરપુર લઇ જઇ ત્યાં આવાસ યોજના બનાવી દેવામાં આવી હતી. જોકે, પાલિકાએ કામનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ હરિપુરાનો આપ્યો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.