Ahmedabad

નવનિર્મિત એક જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતોનું ગાંધીનગરથી લોકાર્પણ

અમદાવાદ, તા.૧૪
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ગ્રામીણ નાગરિકો સહિત સામાન્ય માનવીની આશા અપેક્ષાઓ સંતોષાય અને સરકારનું તંત્ર લોકોની સારી સેવા કરી શકે તેવું વાતાવરણ અદ્યતન સુવિધાસભર ભવનોના નિર્માણથી રાજ્ય સરકારે કર્યુ છે. આવા ભવનો-સેવાસદનોમાં પોતાના કામકાજ માટે આવનારો અરજદાર, રજૂઆત કર્તા વ્યકિત પોતાનું કામ થવાના વિશ્વાસ અને શાતા સાથે પરત જાય તેવી કાર્યસંસ્કૃતિ ગુજરાતમાં વિકસી છે. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પંચાયત-ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે અમરેલી જિલ્લા પંચાયત, ડોલવણ-થરાદ અને ભિલોડા તાલુકા પંચાયતોના કુલ ર૬ કરોડ ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા ભવનોના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં કહ્યું કે, ગાંધીજીના ગ્રામ સ્વરાજ્ય અને પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના પંચાયતી રાજ્ય વ્યવસ્થાના ખ્યાલને ગુજરાતે ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થાના અસરકારક અમલથી સાકાર કર્યો છે. તેમણે પંચાયતી રાજ્ય વ્યવસ્થાને કારણે જ ગ્રામ પંચાયતોથી માંડીને તાલુકા જિલ્લા પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને ગામડાંઓને પણ પોતીકી સરકારનો અનુભવ થાય તેવી સ્થિતી ઊભી થઇ છે તેની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સંક્રમણના આ કપરાકાળમાં પણ વિકાસ કામો અટકે નહીં અને રોજીંદી પ્રવૃત્તિઓ પણ સાથોસાથ ચાલુ રહે તેવો વ્યૂહ વ્યથા નહીં વ્યવસ્થાના મંત્ર સાથે આપણે અપનાવ્યો છે. તેમણે કોરોનાના વિશ્વભરમાં અને દેશમાં સંક્રમણની સ્થિતિમાં સમયસરના પગલાં, સઘન આરોગ્ય વ્યવસ્થાઓને કારણે ગુજરાતમાં પોઝિટિવ કેસો પર નિયંત્રણ રાખી શકયા છીયે. મૃત્યદર પણ ઘટી રહ્યો છે તેવો મુખ્યમંત્રીએ મત વ્યકત કર્યો હતો.