(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૭
નવસારીના નેશનલ હાઇવે પરથી પોલીસે રુા.૧ કરોડની રોકડ રકમ સાથે ત્રણ ઇસમોને શંકમંદ હાલતમાં ઝડપી પાડયા હતા. આ નાણાં હવાલાના હોવાની પોલીસે આશંકા વ્યકત કરી હતી. હાલ ત્રણેય યુવકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. જેમાં રૂપિયા મહારાષ્ટ્રના નાસિકથી લાવીને સુરતમાં આપવા માટે લઈ જવાતાં હતા. નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નં.૪૮ પર પેટ્રોલિંગ કરી રહેલી ગણદેવી પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. ગણદેવી પોલીસે ત્રણ યુવકોને શંકાસ્પદ હાલમાં અટકાવ્યા હતા. જેમની તપાસ કરતાં તેમની પાસેથી રુા.૧ કરોડ જેટલી માતબર રોકડ રકમ મળી આવી હતી. આ નાણાં બાબતે પોલીસે ત્રણેય યુવકોની પૂછતાછ કરી હતી. પરંતુ ત્રણેયમાંથી એક પણ યુવક પોલીસને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી પોલીસે હવાલાના રૂપિયાની આશંકા સાથે ૩ યુવાનોની અટકાયત કરી છે. ગણદેવી પોલીસે કરોડ રૂપિયા હોવાની આશંકા સાથે મામલતદાર સહિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને સાથે રાખી રૂપિયાની ગણતરી હાથ ધરી છે. કરોડ રૂપિયાની ૫૦૦ના દરની નોટ હોવાથી રૂપિયા ગણવા માટે બેંકના મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે પોલીસ આ રોકડ બાબતે તપાસ ચલાવી રહ્યી છે. જેથી આ ઘટના બાબતે વિસ્તૃત વિગતો પ્રાપ્ત થઇ શકી નથી. અત્રે નોંધનિય છે કે સુરતમાં અગાઉ પ્રકાશમાં આવેલા ચકચારીત હવાલાકાંડમાં અડાજણ પાટિયા વિસ્તારના અફરોઝ ફટ્ટાનું નામ ખૂબ જ ચગ્યું હતું. જેની સામે પોલીસે ગુનો નોંધી તેની તપાસ પણ કરવામાં આવી હતી.