(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રર
રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર દારૂ પકડાય છે જયારે નશાનો વેપલો થતા હોવાના પણ અનેક કેસ સામે આવે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામ નજીકથી પોલીસે ૧.ર૩ કરોડ રૂપિયાની કિંમતનો લીલો ગાંજો ઝડપી પાડયો છે. જિલ્લાની અત્યાર સુધીની સૌથી મોટી નાર્કોટિકસ રેડ પાડીને પોલીસે મોટાપાયે ગાંજો ઝડપ્યો છે જેમાં છોટાઉદેપુર પોલીસ અને એસઓજીની ટીમે સંયુકત કાર્યવાહી કરી હતી. જેમાં ખેતરમાં વાવેતર કરાયેલો ૧ર૩૩.૪૬૬ કિલોગ્રામ જેટલો લીલો ગાંજો પોલીસે ઝડપી પાડયો છે અને બે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની મળેલી વિગતો મુજબ છોટાઉદેપુર પોલીસ અને એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામ પાસે ખેતરમાં મોટાપાયે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને આધારે છોટાઉદેપુર પોલીસ અને એસઓજીની ટીમે મળીને મીઠાબોર સ્થિત ખેતરમાં રેડ પાડી હતી. આ દરમ્યાન પોલીસે શૈલેષભાઈ નારસિંહભાઈ રાઠવા અને અલસિંગ રામાભાઈ રાઠવાને ઝડપી પાડયા હતા અને બંનેને કવોરન્ટાઈન કરીને તેમના કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ દરમ્યાન પોલીસને ખેતરમાં વાવેતર કરાયેલ ૧ર૩૩.૪૬૬ કિલોગ્રામ ગાંજો હાથ લાગ્યો છે જેની કિંમત ૧.ર૩ કરોડ રૂપિયા થવા જાય છે બોડેલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.