પાટણ, તા.૧૪
સાંતલપુર તાલુકાના બામરોલી ગ્રામ પંચાયત ખાતે તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતા એસ.જે. રાવલે નાણાકીય ગેરરીતિ દાખવતા તેમને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એમ.ચૌહાણ દ્વારા ફરજ મોકૂફ કરી તેમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવા આદેશ કરવામાં આવ્યો છે.
તલાટી એસ.જે. રાવલ સિદ્ધપુરના ખોલવાડા, સમીના અમરાપુર, ચાણસ્માના દાણોદરડા, મીઠીધારી ચાલમાં પણ વિવાદમાં ખરડાયા હતા.
સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગ્રામ પંચાયતમાં નાણાપંચ અને બેન્ક એકાઉન્ટમાંથી સરપંચ અને તલાટી રાવલે કુલ રૂા.૧પ,૪૯,૩૭૭ સંયુક્ત રીતે ઉપાડેલા છે પરંતુ ગ્રામ પંચાયતમાં તેનો હિસાબ લખેલો નથી તેમજ વાઉચર ખોઈ નાખેલા છે જે બદલ તેમને નોટિસ આપી ખુલાસો કરવા માટે સૂચના આપેલી હતી. પરંતુ તલાટીએ ખુલાસો રજૂ કર્યો ન હતો. આમ તલાટીએ નાણાંકીય અનિયમિતતા અને ગેરરીતિઓ કરી હંગામી ઉચાપત કરેલાનું જણાયું છે. તેમજ તમામ રેકોર્ડ બિનઅધિકૃત રીતે ઘેર રાખતા પંચાયતના વહીવટમાં મુશ્કેલી પડેલી છે. બાદમાં તેમણે રજા રિપોર્ટ વગર મનસ્વી રીતે ગેરહાજર રહ્યા હતા. સમી તાલુકાના અમરાપુર અને ખોલવાડા ખાતેની ફરજ દરમ્યાન તલાટી રાવલે પંચાયતના રેકોર્ડ પોતાના કબજામાં રાખી વહીવટમાં મોટો અવરોધ ઊભો કરેલો છે. ઉપરાંત નાણાકીય અનિયમિતતા ગેરરીતિઓ રેકર્ડ સાથે ચેડો જે તે સમયના નાણાકીય હિસાબ પુરા કરવામાં ઓડિટ સંલગ્ન ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે. ફરજ પર ગેરહાજર રહેવું ચાર્જ સુપરત કર્યા સિવાય રજા પર જવું રજા પુરી થતાં મનસ્વી રીતે ગેરહાજર રહેવું જેવી બાબતો અવારનવાર બની છે. તેઓ બામરોલી તલાટી તરીકે તા.રપ-૦૪-ર૦૧૮થી મનસ્વી રીતે ગેરહાજર છે.