(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૮
ગુજરાત સરકારના આગામી નાણાકીય વર્ષ ર૦ર૧-રરના બજેટ માટે સરકારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ તૈયાર કરવા સરકારના વિવિધ ર૬ વિભાગો સાથે બેઠકો યોજીને વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. સળંગ બેઠકોના દોર બાદ નાણામંત્રી દ્વારા સરકારના બજેટને હવે લગભગ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજય સરકારનું આ બજેટ તેઓ વિધાનસભામાં તા.૩જી માર્ચે રજૂ કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ અંગે જણાવ્યું હતું કે રાજયના સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે ત્યારે વર્ષ ર૦ર૧-રરના આગામી બજેટને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજયના નાયબ મુખ્યમંત્રી ચાલુ વર્ષે ર૦ર૧-રરનું અંદાજપત્ર આગામી વિધાનસભાના સત્રમાં રજૂ કરશે. અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર જે ચર્ચાઓ થઈ જેમાં મુખ્યત્વે કૃષિ સહકાર અને પશુપાલન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, આદિજાતિ કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, ઉર્જા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, મહેસુલ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ સહિતના તમામ વિભાગોના અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર ૧થી ર કલાક સુધી વિગતવાર ચર્ચાઓ થઈ હતી. આમ બધા વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ અંદાજપત્રને આખરી કરાયું છે. અંદાજપત્રની તૈયારીઓ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજયના તમામ વિભાગો સાથે બેઠકોનો દોર શરૂ કરાયો હતો. જેમાં સવારના ૧૧.૦૦થી મોડી રાત સુધી નવી યોજનાઓ તથા આગામી વર્ષના આયોજન માટે વિસ્તૃત ચર્ચા વિચારણા, કરવામાં આવી હતી અને અંદજપત્રને આખરી ઓપ અપાયો છે. આ ચર્ચા દરમ્યાન સંબંધિત વિભાગના મંત્રીઓ, સચિવો, વિભાગો હેઠળના વડાઓ, વિભાગો હસ્તકના નિગમોના ચેરમેન/મેનેજિંગ ડિરેકટર સહિત ઉચ્ચ સનદી અધિકારીઓએ સહભાગી બનીને વિસ્તૃત માહિતી પુરી પાડીને પોતાના વિભાગના બજેટને તૈયાર કરવામાં ભૂમિકા પુરી પાડી હતી. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રીએ વિભાગોના સ્થાયી ખર્ચ, ચાલુ બાબતો, નવી બાબતોની સઘન ચર્ચા વિચારણા કરી બજેટને ફાઈનલ કર્યું હતું. રાજયની નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને અંદાજપત્ર આખરી કરવાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. હવે આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કરી અંદાજપત્રને આખરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રીએ અગાઉ વર્ષ, ર૦૦ર-૦૩માં ર૭મી ફેબ્રુઆરી ર૦૦ર એ તે બાદ વર્ષ ર૦૧૩-૧૪માં, ર૦૧૪-૧પમાં (લેખાનુદાન), ર૦૧૭-૧૮મા, ર૦૧૮-૧૯, ર૦૧૯-ર૦માં (લેખાનુદાન), વર્ષ ર૦૧૯-ર૦માં (ફેરફાર કરેલ બજેટ) અને વર્ષ ર૦ર૦-ર૧માં વિધાનસભા ખાતે બજેટ રજૂ કર્યા હતા. હવે આ વર્ષ ર૦ર૧-રરનું અંદાજપત્ર ૩જી માર્ચ ર૦ર૧ના રોજ ગૃહમાં રજૂ કરવામાં આવનાર છે. આમ નાણામંત્રી તરીકે રાજયના નાયબ મુખ્યમંત્રી સતત નવમી વાર રાજયનું અંદાજપત્ર નાગરિકો માટે રજૂ કરશે.