National

નિર્ભયાના ગુનેગારોને ફાંસી જ થશે : સુપ્રીમ કોર્ટ

(એજન્સી) નવી દિલ્હી,તા. ૯
દિલ્હીમાં ૨૦૧૨માં ચાલતી બસમાં મેડિકલની વિદ્યાર્થિની પર પાશવી બળાત્કાર અને બર્બરતાપૂર્વક ત્રાસ ગુજારવાના દોષિતોને ફાંસીએ જ લટકાવવામાં આવશે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટે સોમવારે આપતાં દોષિતોની સજાને આજીવન કેદમાં બદલવાની અરજી ફગાવી દીધી હતી. ચારેય દોષિતોની પાસે સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારાયા બાદ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પહેલાં એક કાયદાકીય વિકલ્પ બાકી હતો. જો કે, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કોઇ ફેરફાર ન કરતાં તેમની સજા યથાવત્‌ રાખી હતી.
આ અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની પીઠે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, મુકેશ (૨૯), પવન ગુપ્તા (૨૨) અને વિનય શર્મા (૨૩)ની સમીક્ષા પર વિચારણા કરવા માટે કોઇ નવી બાબત નથી.
૨. ગયા વર્ષે મે માસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે ચોથા આરોપી અક્ષયકુમાર સિંહે મોતની સજા સામે સમીક્ષા અરજી દાખલ કરી નહોતી.
૩. કોર્ટના આદેશ અંગે નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે, ન્યાય અને સુપ્રીમ કોર્ટમાં અમને વિશ્વાસ છે.
૪. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને જાળવી રાખ્યો હતો જેમાં મહિલા સાથે ગેંગરેપ કરનારા ચાર દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી હતી, શરીર પર અને ગુપ્તાંગોના ભાગે ગંભીર ઇજાઓને કારણે યુવતી બનાવના ૧૬ દિવસ બાદ મોતને ભેટી હતી.
૫. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઘટનાને ઘાતકી, બર્બરતાપૂર્ણ અને રાક્ષસી સ્વભાવનું કૃત્ય ગણાવી કહ્યું કે, આ અપરાધ સમાજના માળખાને ધ્વસ્ત કરવા માટે આઘાતની સુનામી સર્જી શકે છે.
૬. જો કે, દોષિતોએ આ સજાની સમીક્ષા કરવાની અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે, આ ન્યાયના નામે ઠંડા કલેજે હત્યા કરવામાં આવી રહી છે. ગયા વર્ષે નવેમ્બર માસમાં કોર્ટ તેમની સમીક્ષા અરજી પર સુનાવણી કરવા સહમત થઇ હતી.
૭. ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ ૨૩ વર્ષની વિદ્યાર્થિનીના ગેંગરેપ અને હત્યાની ઘટનાને સમગ્ર દેશમાં આઘાતનું મોજુ પ્રસરાવી દીધું હતું અને લોકોમાં આક્રોશ જન્માવી દીધો હતો જે બાદ મહિલાઓ સામેના જાતિય અપરાધના કાયદાઓમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી.
૮. છમાંથી એક દોષિત બસ ડ્રાઇવર રામસિંહે જેલની અંદર જ આત્મહત્યા કરી લીધી હતી.
૯. જ્યારે ઘટના બની ત્યારે ૧૮ વર્ષ પૂરા થવામાં થોડા દિવસો જ બાકી હતા તેવા આરોપીને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી દેવાયો હતો જ્યાંથી તેનો ત્રણ વર્ષની જેલ બાદ છૂટકારો થઇ ગયો હતો.
૧૦. ‘‘નિર્ભયા’’ અથવા નિડર નામથી પીડિતાને ઓળખવામાં આવી. તેના માતા-પિતાએ કહ્યું હતું કે, તમામ દોષિતોને વહેલામાં વહેલી તકે ફાંસીના માચડે લટકાવી દેવા જોઇએ જેમાં કિશોરનો પણ સમાવેશ થવો જોઇએ.

પાશવી ગેંગરેપના દોષિતો માટે હવે આગામી પગલું સુધારા અરજી

નિર્ભયાના દોષિતો માટે હજુ પણ વિકલ્પ રહેલા છે જેમાં તેઓ ૨૦૧૭ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આદેશમાં સુધારા માટેની અરજી કરી શકે છે. સોમવારે સુપ્રીમ કોર્ટે ચારમાંથી ત્રણ દોષિતો દ્વારા કરાયેલી સમીક્ષા અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, અગાઉના ચુકાદામાં કોઇ ખામી નહોતી. મોતની સજાને પડકારવા માટે સુધારા અરજી કરી શકાય છે જેમાં ભૂતકાળમાં દોષિતો દ્વારા પુરાવા અથવા કાયદાકીય રીતે કેટલાક મુદ્દાની દલીલો કરાઇ નહોતી તેવો આધાર મૂકી શકે છે. જો આ અરજી પણ ફગાવી દેવાય તો દોષિતો પાસે દયા અરજીનો વિકલ્પ રહેલો છે. દયા અરજી પર સુનાવણી કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે હોય છે જેઓ ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલી સલાહ અનુસાર નિર્ણય લે છે.

દોષિતોને ફાંસીના માંચડે જોવા માગીએ છીએ : નિર્ભયાના માતા-પિતા

નિર્ભયાના ચારમાંથી ત્રણ દોષિતોની સમીક્ષા અરજી ફગાવી દીધા બાદ તેના માતા-પિતાએ ચુકાદા માટે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો છે. સુનાવણી દરમિયાન નિર્ભયાના માતા-પિતા કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા. નિર્ણય બાદ તેમણે સર્વોચ્ચ અદાલતનો આભાર માનતા કહ્યું હતું કે, તેઓ દોષિતોને ફાંસીના માંચડે જોવા માગીએ છીએ. નિર્ણયથી સંતોષ વ્યક્ત કરતા નિર્ભયાના પિતા બદ્રીનાથે સર્વોચ્ચ અદાલતનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, છ વર્ષથી અમે એ જ દિવસની રાહ જોઇ રહ્યા છીએ કે ક્યારે અમારી દીકરીના ગુનેગારોને ફાંસી આપવામાં આવે. અમે જાણતા હતા કે સમીક્ષા અરજી ફગાવી દેવાશે પણ હવે શું ? ઘણો સમય વીતી ગયો છતાં મહિલાઓની સુરક્ષા સામે જોખમ તોળાયેલું રહ્યું છે અને હજુ પણ દરરોજ આવી ઘટનાઓ સામે આવે છે. માતા આશા દેવીએ કહ્યું કે, મારી દીકરી સાથે જે થયું તેનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. આવા ગુનેગારો સાથે કોઇ રહેમ રાખવો જોઇએ નહીં, અમે સમગ્ર પરિવાર અને નિર્ભયા માટે સંઘર્ષ કરનારાઓ તરફથી સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ. હું મારી દીકરીના ગુનેગારોને ફાંસી પર લટકેલા જોવા માગું છું.

નિર્ભયાના ભાઇની ભણવા-નોકરી માટે રાહુલ ગાંધીએ મદદ કરી

વર્ષ ૨૦૧૨ના ડિસેમ્બરમાં પાટનગર દિલ્હીમાં નિર્ભયા સાથેના ગેંગરેપે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. જોકે છ વર્ષ બાદ આજે તેનો ભાઇ પાઇલટ બની ગયો છે. આ અંગે નિર્ભયાની માતા આશા દેવીએ રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમનો પુત્ર આજે પાઇલટ છે તો તે ફક્ત રાહુલ ગાંધીને કારણે જ છે. તેમણે કહ્યું કે, ઘટનાથી તેમનો સમગ્ર પરિવાર આઘાતમાં હતો તેવા સમયે મારો પુત્ર ભણતરથી દૂર રહ્યો ન હતો જેના માટે રાહુલ ગાંધીએ તેના શિક્ષણ માટે મદદ કરી ઉપરાંત તેને વારંવાર ફોન કરીને પ્રોત્સાહન પણ પુરૂં પાડ્યું હતું. તેમણે તેને સલાહ આપી હતી કે, તેના લક્ષ્યનો પીછો કરતો રહે. જ્યારે રાહુલને જાણ થઇ કે તે સેનામાં જોડાવા માગે છે ત્યારે તેમણે સલાહ આપી હતી કે, શાળાનું ભણતર સમાપ્ત થયા બાદ તે પાઇલટની તાલીમ લે. ૨૦૧૩માં સીબીએસઇની પરીક્ષા આપ્યા બાદ તેણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમીમાં પ્રવેશ લીધો. ત્યારબાદ તે રાયબરેલી શિફ્ટ થયો. પોતાની ૧૮ મહિનાની ટ્રેનિંગ દરમિયાન તે સતત નિર્ભયાના કેસની વિગતો પણ લેતો હતો. દરમિયાન રાહુલ ગાંધી સાથે પણ વાત કરતો હતો. રાહુલ પણ સતત તેને ભણતર ન છોડવા સલાહ આપતા રહ્યા. રાહુલના બહેન પ્રિયંકાએ પણ ઘણીવાર તેની સાથે વાત કરી તેને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. મારો પુત્ર હવે વહેલી તકે વિમાન ઉડાવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.