National

‘નીચ’ ટિપ્પણી અંગે મણિશંકર ઐયરે કહ્યું , ‘હું હિંદી બોલનારો નથી, ભાષાંતરમાં ગરબડ થઇ’ : ઐયરે નીચ ટિપ્પણી બદલ મોદીની સાવચેતીપૂર્વક માફી માગી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે નીચ ટીપ્પણીની કલાકોમાં જ વડાપ્રધાન મોદીની સાવચેતીપૂર્વક માફી માગતા કહ્યું હતું કે, હું કોંગ્રેસનો સત્તાવાર પ્રવક્તા નથી અને હું સ્વતંત્ર કોંગ્રેસી પણ નથી. આમ કહી તેમણે વડાપ્રધાન મોદીની માફી માગી હતી. ઐયરે કહ્યુ કે, તેઓ સારા હિંદી વક્તા નથી અને તેથી શબ્દોની હેરફેર થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, નીચ શબ્દ ઘણી બાબતોમાં વપરાય છે અને તેમનો ઇરાદો વડાપ્રધાનને નીચલી જાતિના કહેવાનો ન હતો. હું એક સામાન્ય કોંગ્રેસનો કાર્યકર છું અને ગુજરાતમાં પ્રચાર માટે કહેવાયું નથી. તેથી મારી ટીપ્પણી પર આટલો હોબાળો કેમ કરાય છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નીચ ટીપ્પણી બદલ માફી માગવાનું કહેતા મણિશંકર ઐયરે તરત જ પરંતુ સાવચેતીપૂર્વક માફી માગી હતી રાહુલે એવું પણ કહ્યું હતું કે, કોંગ્રેસ તેમની પાસેથી માફી માગવાની આશા રાખે છે.
વડાપ્રધાન મોદીને ‘નીચ’ કહ્યા બાદ વિવાદ વધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે, મારો કહેવાનો અર્થ એ નહોતો અને હિંદી મારી માતૃભાષા નથી. તેમણે કહ્યું કે, હું માફી માગુ તેના કરતા એ સમજવું જરૂરી છે કે, જ્યારે મેં ‘નીચ’ કહ્યું ત્યારે મારો કહેવાનો અર્થ નીચલી કક્ષા હતો મારા મતે જ્યારે હું અંગ્રેજી બોલતો હોઉં ત્યારે હિંદી આવી જાય છે અને હિંદી મારી માતૃભાષા નથી. બીજી તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ઐયરની ટીપ્પણી પાર્ટીની સંસ્કૃતિ અને વારસા અનુસાર નથી. તેમણે ટિ્‌વટર પર કહ્યું કે, ભાજપ અને પીએમ મોદી કોંગ્રેસ પાર્ટી પર હુમલા કરવામાં નીચલી કક્ષાની ભાષા વાપરે છે. મણિશંકર ઐયર દ્વારા ઉપયોગમાં લેવાયેલી ભાષા અને શબ્દો સાથે હું સહમત નથી. કોંગ્રેસ અને હું જે તેઓ બોલ્યા છે તે બદલ માફી માગે તેવી માગ કરે છે.’ દરમિયાન મોદીએ ઐયરના નિવેદન પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, કોંગ્રેસ દ્વારા હલ્કી ભાષાનો ઉપયોગ લોકતંત્રમાં અસ્વીકાર્ય છે અને આ એક ગંદી માનસિકતાનું પરિણામ છે. સુરતમાં રેલી દરમિયાન મોદીએ કહ્યુ કે, તમે બધાએ મને મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે જોયો છે. શું કોઇએ મારા લીધે શરમથી માથું ઝુકાવવું પડ્યું છે ? તો શા માટે તેઓ મને ‘નીચ’ કહે છે ? ગુરૂવારે મણિશંકર ઐયરે જણાવ્યું કે, ‘યે આદમી બહુત નીચ કિસ્મ કા આદમી હૈ, ઇસમે કોઇ સભ્યતા નહીં, ઓર એસે મોકે પર ઇસ કિસ્મ કી ગંદી રાજનીતિ કરને કી ક્યા આવશ્યકતા હૈ ? મોદીએ પોતાની સભામાં એમ પણ કહ્યું હતું કે, આ લોકોએ મારા માટે અગાઉ પણ આ ભાષાનો ઉપયોગ કર્યો છે અને તેમને ‘ગધેડો’ તથા ‘ગંદી નાલી કા કીડા’ જેવા શબ્દો વાપર્યા હતા.