International

ન્યૂયોર્કમાં મૃત્યુઆંક વધતા અમેરિકામાં કોરોના વાયરસનું એપીસેન્ટર બન્યું

(એજન્સી) વોશિગ્ટન,તા.૬
અમેરિકામાં કોરોના વાયરસના કારણે સ્થિતી હવે દિન પ્રતિદિન બેકાબુ બની રહી છે. કારણ કે દરરોજ સરેરાશ ૧૦૦૦ કરતા વધારે લોકોના મોત થઇ રહ્યા છે. જ્યારે દરરોજ હજારો નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ હવે વધુ ૧૧૬પ લોકોના મોત થયા છે. સાથે સાથે કેસોની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. અમેરિકામાં જે રીતે મોતનો આંકડો વધી રહ્યો છે તે જોતા તમામ સ્થાનિક લોકોમાં ચિંતા વધી ગઇ છે. કોરાના વાયરસે લાશોના ઢગલ લગાવી દીધા છે. સ્થિતીને સુધારવાના તમામ પ્રયાસો કામ લાગી રહ્યા નથી. ન્યુયોર્ક હવે કોરોના વાયરસના ગઢ ગણાતા ચીનના હુબેઇ પ્રાંતથી પણ આગળ નિકળી ચુક્યું છે. અહીં પોઝિટિવ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ન્યુયોર્કમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એટલી વધારે છેકે,કે લાશોની દફનવિધિ માટે મુશ્કેલી પડી રહી છે. દુનિયામાં સૌથી વધારે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હવે અમેરિકામાં નોંધાઇ ચુકી છે. અમેરિકામાં ટ્રમ્પ સરકાર હવે વાયરસથી બચાવ માટે આશરે ૧૫ દિવસ પહેલા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સને ૩૦ દિવસ માટે વધારી દેવા માટે તૈયાર થઇ છે. ચીનમાં વાયરસ પર અભ્યાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસના દર્દીઓ વહેલી તકે શિકાર થાય છે.દુનિયામાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશમાં અમેરિકામાં છે. સરકારને એવી દહેશત રહેલી છે કે આ કોરોના વાયરસના કારણે આવનાર દિવસોમાં અમેરિકામાં એકથી ૨.૪ લાખ લોકોના મોત થઇ શકે છે. અમેરિકામાં મોતનો દર ખુબ ઉંચો દેખાઈ રહ્યો છે. સૌથી કફોડી હાલત ન્યુયોર્કમાં જોવા મળી રહી છે. સ્થિતિ એવી ઉભી થઇ છે કે, મોતના આંકડાને લઇને લોકો ભયભીત ન બને તે માટે રાત્રિગાળામાં મૃતકોને બહાર લઇ જવામાં આવી રહ્યા છે. દિવસમાં આવી કોઇ ગતિવિધિ ચાલી રહી નથી. ન્યુયોર્કમાં આ પ્રકારની સ્થિતિ ઉપરાંત અમેરિકામાં અન્ય એવા વિસ્તારો પણ છે જ્યાં સ્થિતિ બેકાબૂ બનેલી છે. અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. કોરોનાની સૌથી વધારે અસર ન્યુયોર્કમાં થઇ છે. ગંભીર દર્દીઓની સંખ્યા આઠ હજારથી વધારે હજુ નોંધાયેલી છે.

અમેરિકા માટે આગામી સપ્તાહ ૯/૧૧ જેવું સાબિત થશે

(એજન્સી) વોશિંગ્ટન, તા.૬
અમરેકા હવે કોરોના વાયરસનો નવો ગઢ બની ચુક્યુ છે. અમેરિકામાં રોજે રોજ લોકોના મોતનો સીલસીલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો.
આ સંજોગોમાં અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સે આગાઈ કરતા કહ્યુ હતુ કે, આગામી સપ્તાહ અમેરિકા માટે ૯/૧૧ અને પર્લ હાર્બર જેવુ સાબિત થશે. જેનો અર્થ એવો થાય કે આગામી સપ્તાહમાં અમેરિકા પર થયેલા ૯-૧૧ હુમલામાં કે બીજા વિશ્વયુધ્ધ વખતે પર્લ હાર્બર પર થયેલા હુમલામાં જેટલા લોકોના મોત થયા હતા તેના કરતા પણ વધારે લોકોના મોત આ એક સપ્તાહમાં કોરનાના કારણે થઈ શકે છે.