(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શુક્રવારના રોજ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર પર દલિતો અને આદિવાસીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો, સાથે જ તેમણે કહ્યું હતું કે, પીડીએ સમુદાયો (પછાત વર્ગો, દલિત અને લઘુમતીઓ) ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી ઉથલાવી દેશે. નોઈડામાં પત્રકારો સાથે વાત કરતા,તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ મતદારોને દબાવવા માટે સત્તાનો દુરૂપયોગ કરી રહી છે, ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો છીનવી રહી છે. યાદવે જાહેરાત કરી, ભાજપ પીડીએ (પિછડે, દલિત અને અલ્પસંખ્યક) લોકોને સીઓ (સર્કલ ઓફિસર) અને એસઓ (સ્ટેશન ઓફિસર) જેવા હોદ્દા પર બેસતા અટકાવી રહી છે. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં, પીડીએ ભાજપને સત્તા પરથી ઉથલાવી દેવા માટે એક થશે. તેમણે ભાજપ પર ચૂંટણીમાં છેડછાડ કરવાનો પણ આરોપ લગાવ્યો, મિલ્કીપુર પેટાચૂંટણીનો ઉલ્લેખ કર્યો જ્યાં તેમણે દાવો કર્યો હતો કે, મૃતકોના નામે મત આપવામાં આવ્યા હતા અને છેતરપિંડીથી મતદાન થયું હતું. તેમણે ચૂંટણી પંચ દ્વારા તપાસની માંગ કરી, ફરિયાદો પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. યાદવે આર્થિક સુધારા અને પ્રગતિ અંગે ભાજપના દાવાઓની વધુ ટીકા કરતા કહ્યું કે, સરકારની નોકરીની તકો પૂરી પાડવામાં નિષ્ફળતા નાગરિકોને ગેરકાયદેસર રીતે દેશ છોડવા માટે દબાણ કરી રહી છે. તેમણે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલ ભારતીય સાથેના અમાનવીય વર્તન અને આ મુદ્દા પર સરકારના મૌનની પણ નિંદા કરી.