Ahmedabad

પત્નીની ઈચ્છા વિરૂદ્ધના શારીરિક, સંબંધને બળાત્કાર કહી શકાય નહીં

અમદાવાદ, તા.ર
ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, પત્ની ઉપર મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધવાની બાબતને બળાત્કાર કહી શકાય નહીં અને ભારતીય દંડ સંહિતાની ધારા ૩૭૫માં આ બાબતને અપવાદરૂપ ગણવામાં આવી છે. જો કે કોર્ટે ઠરાવ્યું હતું કે, પતિ દ્વારા પત્ની ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોય તો તે બાબતે કાનૂની કાર્યવાહી થઇ શકે છે અને તે બાબતે તપાસ કરવા પોલીસને લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત પોલીસે કલમ ૩૫૪નો (શારીરિક આક્રમણ) ફરિયાદમાં ઉલ્લેખ કર્યો નથી તેવું નોંધીને આ કલમ હેઠળ તપાસ કરવાનો પણ કોર્ટે આદેશ આપ્યો હતો.
પત્ની દ્વારા પતિ ઉપર બળાત્કારની ફરિયાદ કરાવી હોય તેવી જવલ્લેજ બનતા કિસ્સામાં હાઇકોર્ટે આ બાબતે સરકારનું ધ્યાન દોરવા માટે કેન્દ્રીય કાયદા મંત્રાલય, કાયદા પંચ અને રાજ્યના કાયદા વિભાગને ચુકાદાની નકલ મોકલવા માટેનો આદેશ કર્યો હતો. કેસનો ચુકાદો આપતા જસ્ટીસ જે. બી. પારડીવાલાએ નોંધ્યું હતું કે બળાત્કારના કાયદામાં પરિણીત અને અપરિણીત સ્ત્રીઓ બાબતે સમાન રક્ષણ નહીં આપ્યું હોવાથી લગ્ન બળાત્કારની ઘટનાઓ આકાર લે છે. તેનાથી સ્ત્રીઓ તેમજ પુરૂષોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે, લગ્ન જીવનમાં બળાત્કાર સ્વીકાર્ય છે. જો પત્ની ઉપર બળજબરીપૂર્વક સંબંધ બાંધવાની બાબતને બળાત્કાર કે ગુનાની વ્યાખ્યામાં આવરી લેવામાં આવે તો આવા કિસ્સાઓ અટકાવી શકાય છે.
ઉત્તર ગુજરાતના એક શહેરમાં રહેતી અને તબીબ તરીકે નોકરી કરતી યુવતીએ તેના તબીબ પતિ સામે ગત વર્ષે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના લગ્ન ૨૦૧૪માં થયા હતા અને લગ્ન જીવન દરમિયાન પતિ તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં તેની સાથે વિકૃત હરકતો કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવા પણ મજબૂર કરતો હતો. આ બાબતે તેના સાસરિયાઓનું ધ્યાન દોરવા છતાં કોઇ પરિણામ આવ્યું નહોતું. આથી તે કંટાળીને પોતાના પિતૃગૃહે પરત આવી ગઇ હતી. તબીબ પતિ સામે કેસ નોંધવામાં આવતા તેણે પોતાની સામે બળાત્કારની ફરિયાદ રદ્દ કરવાની અરજી કરતા કોર્ટે કાયદાનું અર્થઘટન કર્યું હતું. અલબત્ત સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય તેમજ બળજબરીથી શારીરિક સંબંધ બાબતની કાયદાની કલમો હેઠળ ફરિયાદની તપાસ કરવા માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી હતી.