(એજન્સી) જયપુર, તા.૧૯
રાજપુત કરણી સેનાએ કહ્યું છે કે તેઓ જયપુરમાં સેન્સર બોર્ડના ચેરમેન પ્રસુન જોષીને જયપુર સાહિત્ય સંમેલનમાં ભાગ લેવા રાજસ્થાનમાં પ્રવેશવા નહીં દે તેમજ પદ્માવતી ફિલ્મ રજૂ કરવા અંગે સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી હોવા છતાં તેની સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. જયપુરમાં લીટ ફેસ્ટીવલ તા.રપ જાન્યુઆરીથી શરૂ થાય છે. તે જ દિવસે રાજપૂત રાણી પદ્માવતી પર બનેલ ફિલ્મ પર રજૂ થનાર છે. જ્યારે પ્રસુન જોષી જયપુરમાં પ્રવેશે કે તરત જ અમે વિમાની મથકે તેમનો વિરોધ કરીશું. તેમ કરણી સેનાના સભ્ય સુખદેવીસીંગે કહ્યું છે. ગઈકાલે કરણી સેનાએ બિહારમાં અને રાજસ્થાનમાં રસ્તા રોકી થીયેટરમાં તોડફોડ કરી હતી. કાનૂન અને વ્યવસ્થાના નામે રાજ્ય સરકાર ફિલ્મ પર પ્રતિબંધ મૂકી ન શકે તેમ સુપ્રીમ કોર્ટે ગઈકાલે જણાવ્યું હતું. ત્યારબાદ રાજપૂત સેનાએ દેખાવો યોજ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેન્ડીંટ ક્વીન જો દર્શાવી શકાતી હોય તો પદ્માવતી કેમ નહી ? કરણી સેનાએ ફિલ્મ દર્શાવવા બદલ થીયેટરની તોડફોડની ધમકી આપી છે. રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયાએ કહ્યું કે રાજ્ય સરકાર સુપ્રીમના આદેશનું સન્માન કરે છે પરંતુ અપીલ કરવાનું વિચારે છે. કાયદા વિભાગ તેની ચકાસણી કરશે પછી વધુ પગલાં ભરાશે. પ્રસુન જોષીને મળેલ ધમકી અંગે મંત્રીએ કહ્યું કે અમે યોગ્ય કાર્યવાહી કરીશું. ગયા અઠવાડિયે મુંબઈ પોલીસે ૧૩ર રાજપૂત કરણી સેનાના સભ્યોની સેન્સર બોર્ડ સમક્ષ દેખાવો બદલ ધરપકડ કરી હતી. ૧૬મી સદીની મલીક મોહમ્મદ જૈસીની કવિતા આધારીત વિશાળ બજેટવાળી આ ફિલ્મ છે.