Sports

પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ચેમ્પિયનશિપ સ્થગિત કરવામાં આવે

નવી દિલ્હી,તા.૨૫
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્થગિત કરવા ઘણા સૂચન આપ્યા છે. ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર-૧ છે અને ફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા આ વર્ષના અંતે ૪ ટેસ્ટ મેચની સીરિઝ રમવાના છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વીડિયો કોન્ફરન્સિંગ થકી બેઠક યોજી હતી. બીસીસીઆઈએ સૂચન આપ્યું કે, વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્થગિત કરવામાં આવે કારણ કે ૨૦૨૩ના એફટીપીમાં ફેરફારની યોજના છે.
બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે ટેસ્ટ ચેમ્પિયનશિપ અને પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ અંગે ચર્ચા માટે ફરીવાર બેઠક યોજાશે. એવું મનાય છે કે, બેઠકમાં ભારત એકમાત્ર બોર્ડ હતું, જેણે સ્થિતિ સામાન્ય થવા સુધી ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્થગિત કરવાની વાત કરી હતી.આઈસીસીના ચેરમેન શશાંક મનોહરનો કાર્યકાળ ૨ મહિના માટે વધી શકે છે. કારણ કે મહામારીના કારણે જૂનમાં યોજાનાર આઈસીસી બોર્ડની બેઠક ટળે તેવી શક્યતા છે. બની શકે આઈસીસીને ઓગસ્ટમાં નવો ચેરમેન બને. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રમુખ કોલિન ગ્રાવેસ તેમનું સ્થાન લઈ શકે છે.