(એજન્સી) તા.૮
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આરોપ-પ્રત્યારોપનો દોર ઉગ્ર બન્યો છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંને સામસામે છે. મોદી મમતા ગઢને ફતેહ કરવાના સપના સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે મમતા બેનરજી તેમના ગઢને બચાવવા અને તેમની સત્તા ટકાવી રાખવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન પીપલ્સ ફોરમે પશ્ચિમ બંગાળની મહત્ત્વપૂર્ણ વિધાનસભા ચૂંટણી પહેલાં જ નવા સૂત્ર ભાજપને વોટ નહીંની જાહેરાત કરી હતી. આ ફોરમે ફાંસીવાદીઓ વિરૂદ્ધ આ નવા અભિયાનની શરૂઆત કરી છે. ફોરમ કહે છે કે, અમે ભાજપ અને આરએસએસને ઉઘાડા પાડી દઈશું, જેઓ સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરીને પોતાની સત્તાની મજા માણી રહ્યા છે. અમે લોકોને જાગૃત કરીશું કે, ભાજપ અને આરએસએસે મળીને દેશના કોમી સૌહાર્દને વેરવિખેર કરી નાખવા માંગે છે, તે દેશના લોકશાહી સંસ્થાનોને નુકસાન પહોંચાડી રહ્યા છે. એક પત્રકાર પરિષદને સંબોધતા પીપલ્સ મૂવમેન્ટ અને સેક્યૂલર પ્રોગ્રેસિવ ગ્રૂપના કાર્યકરોના ફોરમે કહ્યું કે, રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે ફાંસીવાદીઓની વિરૂદ્ધ નવા અભિયાનની શરૂઆત કરી રહ્યા છીએ અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ ભાજપને વોટ ન આપે. તેઓ ભાજપને પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવતા અટકાવે. અમારા કાર્યકરોને પણ અમારી અપીલ છે કે, તેઓ લોકો વચ્ચે જાય અને તેમને સમજાવે કે, તેઓ ભાજપને વોટ ન આપે. તેમણે ભાજપ અને આરએસએસને ઉઘાડા પાડવાનો પ્રયાસ કરતા રહ્યું કે, આ બંને શાસકો સત્તામાં આવીને ફક્ત પોતાના જ હિતોને સાધવાનો પ્રયાસ કરતા રહે છે કે, ધ્રૂવીકરણ જ તેમનો સૌથી મોટો હથિયાર છે. તેમણે ભાજપ પર ધનિકો માટે ખાસ કરીને ગુજરાતના ધનિકો માટે કામ કરવાનો આરોપ મૂકતાં કહ્યું કે તેઓ કોમવાદ ફેલાવવા માટે નાગરિકતા સંબંધિત કાયદાઓ પર ભાર મૂકે છે જેમાં સીએએ, એનઆરસી અને એનપીઆર સામેલ છે. ફોરમે વધુમાં કહ્યું કે આ ચિંતાજનક છે કે ભાજપ અને આરએસએસ સાથે મળીને કોલકાતા સહિત અન્ય જિલ્લાઓમાં પણ પોતાનો વ્યાપ વધારી રહ્યા છે, તેઓ હિંસક રીતે આગળ વધી રહ્યા છે જે ચિંતાની બાબત છે.