(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૦
આર્ટ ઓફ લિવીંગના સ્થાપક આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકરના અયોધ્યા વિવાદને ઉકેલવાના કોર્ટ બહારના પ્રયાસોથી ભાજપના પ્રમુખ અમિત શાહ નારાજ છે.
શ્રીશ્રીએ માર્ચમાં એક ટીવી ચેનલને મુલાકાત આપી ચેતવણી ઉચ્ચારી હતી કે, મંદિરના પક્ષમાં ચુકાદો ન આવવાથી દેશમાં ખૂનખરાબા સર્જાશે અને સીરિયા જેવી સ્થિતિ થશે.
ભાજપના એક નજીકના સૂત્રનું કહેવું છે કે, અમિત શાહ શ્રીશ્રીના પ્રયાસોથી નારાજ છે. તેઓ એ બાબતે ચિંતિત છે કે, શ્રીશ્રી તેમના પ્રયાસોમાં સફળ થઈ જાય તો ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપના હાથમાંથી એક મહત્ત્વનો મુદ્દો નીકળી જશે. હાલમાં અયોધ્યા વિવાદની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે છે. ર૦૧૯માં કોર્ટ સુનાવણીની તારીખ નક્કી કરશે. સુનાવણી મુલત્વી રહેતા હિન્દુવાદી સંગઠનો અને ભાજપના નેતાઓએ મંદિર નિર્માણની માગણી તેજ કરી દીધી છે.
ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ ગયા મહિને અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેમને આ મુદ્દાથી અલગ થઈ જવાની સલાહ આપી છે, પરંતુ સંઘ સંમત ન હતો. રપ નવેમ્બરે અયોધ્યામાં મંદિર વિવાદ મુદ્દે ધર્મસભા યોજાઈ રહી છે. જેમાં લાખો લોકો જોડાવાની શક્યતા છે. બાબરી મસ્જિદ મુદ્દે ઈકબાલ અન્સારીએ સુરક્ષા ન વધારાતાં અયોધ્યાથી પલાયન કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ યોગી સરકારે સુરક્ષા વધારી હતી.