પાટણ,તા.૭
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ જિલ્લામાં રર૩ કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે પાણી વગર વિકાસ શકય નથી. ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત રાખવા ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. આ માટે પાણીના સ્ત્રોત ઉભા કરીને નેવાના પાણીને મોભે ચડાવીને પણ છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડયા છે. રાજયમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઈની વ્યાપક યોજનાઓ આ સરકારે સફળતાથી પાર પાડી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. હર હાથ કો કામ, હર ખેત કો પાની…ના સૂત્રને સાર્થક કરવા નર્મદા, ઉકાઈ, કડાણા, પાનમ, ધરોઈ, દાંતીવાડા જેવા મોટા ડેમો થકી સિંચાઈ યોજનાઓનું કાર્યક્ષેત્ર વધારવામાં આવ્યું છે તેમજ રાજયમાં ૧ લાખ કિ.મી. લાંબી પાઈપલાઈન વિતરણ નેટવર્ક ઉભુ કરી રાજયના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં શુદ્ધ પાણી આ સરકારે પહોંચાડયું છે. તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતે પાવર ગ્રીડ ઉભી કરી છે તેમજ જયોતિ ગ્રામ યોજના થકી ગામડાઓમાંથછી અંધારૂ ઉલેચ્યું છે. ગેસની ગ્રીડ ઉભી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય છે. પાટણ જિલ્લામાં આજ રોજ નર્મદા મુખ્ય કેનાલ આધારિત શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા માટે રાધનપુર શહેર તેમજ રાધનપુર અને સાંતલપુર તાલુકાના ૧ર૭ ગામોની રૂા.૧૭૩.૭૩ કરોડનો પાણી પુરવઠા યોજના તથા હારીજ શહેરમાં ૩.૦૦ એમ.એલ. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂા.૯.૧૭ કરોડ અને રાધનપુર શહેરમાં ૬.૦૦ એમ.એલ. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂા.૧૪.૯૭ કરોડ મળી કુલ રૂા.૧૯૭.૮૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.