ભાવનગર,તા.૪
ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા બોટાદ જિલ્લાના કાનિયાડ અને તરધરા ગામે સ્વાઈનફલુના કારણે ત્રણના મોત નીપજયા છે. જેમાં ગઈકાલે રવિવારે વધુ બે વ્યકિતઓના સ્વાઈનફલુથી મોત નીપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ જિલ્લાના એક બાવન વર્ષીય આધેડને સ્વાઈનફલુના લક્ષણો જણાતા તેમને ગત તા.ર૯-૧ના રોજ ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જયાં તેઓના સ્વાઈનફલુના રિપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ સારવાર દરમ્યાન ગઈકાલે રવિવારે તેમનું કરૂણ મોત નીપજયું હતું.
બીજા બનાવની જાણવા મળેલ વિગત મુજબ પાલીતાણા પંથકમાં રહેતા એક મહિલા છેલ્લા થોડા દિવસથી બીમાર રહેતા હોય, જેમને ગત શનિવારે શંકાસ્પદ સ્વાઈનફલુ સાથે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનો પણ સ્વાઈનફલુ પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. સારવાર દરમ્યાન આ મહિલાનું રવિવારે કરૂણ મોત નીપજયું હતું. ગઈકાલે રવિવારે એક જ દિવસમાં પાલીતાણા તાલુકાના મહિલા અને બોટાદ જિલ્લાના અને તરધરા ગામમાં સ્વાઈનફલુના કારણે ત્રણના મોત નીપજયા છે આમ મૃત્યુઆંક કુલ ૧રએ પહોંચ્યો છે.