(એજન્સી) તા.૧૧
રાષ્ટ્રીય પાટનગરમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂા.૮૪.૨૦ની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયાં છે. આ અગાઉ ઓક્ટો.૨૦૧૮માં સર્વોચ્ચ સપાટી જોવા મળી હતી.એ જ રીતે ડીઝલના ભાવમાં પણ સપ્રમાણ વધારો થયો છે. જો કે તે હજુ ગત સાલ જુલાઇમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો તેનાથી ઓછો છે. આ ખરેખર ખરાબ સમાચાર છે. આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટમાંથી જે સંકેતો મળી રહ્યાં છે તે હવે ભારત જેવા દેશોમાં ગ્રાહકો માટે હજુ વધુ વિકટ અને કપરો સમય આવશે તેનો નિર્દેશ આપે છે. ઓપેક પ્લસની બેઠકમાં સઉદી અરેબિયાએ આગામી બે મહિના માટે પ્રતિ દિન ઉત્પાદનમાં ૧૦ લાખ બેરલનો એકપક્ષીય કાપ મૂકવાની જાહેરાત કરતાં ઓઇલ માર્કેટમાં જબરદસ્ત ભડકો થયો હતો. માર્કેટને ઉત્પાદનમાં વધારો થશે એવી અપેક્ષા હતી, પરંતુ સઉદી અરેબિયાએ આ અપેક્ષા પર પાણી ફેરવી દીધું છે. એક આશ્વાસનની વાત એ છે કે રશિયા હજુ ઉત્પાદનમાં કાપ મૂકનાર નથી. પરંતુ ઓઇલ પર સટ્ટો ખેલતા લોકો સઉદી અરેબિયાના આ પગલાથી ગેલમાં આવી ગયાં છે. ભારતમાં દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ક્રૂડના ભાવમાં જ્યારે જ્યારે વધારો થાય છે ત્યારે સરકાર ગેલમાં આવી જાય છે. પેટ્રોલ, ડીઝલ અને ક્રૂડ ઓઇલ દ્વારા સરકારને એક્સાઇઝ ડ્યૂટીમાંથી જે આવક થાય છે તેમાં આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિના દરમિયાન વર્ષવાર ૪૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેટલા ભાવ વધે એટલી સરકારને વધુ આવક થાય છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય ભાવ ગગડે છે ત્યારે પણ ભારતની કેન્દ્ર સરકાર સામાન્ય પ્રજાજનોને ગ્રાહકોને નીચોવી નાખતાં પણ ખચકાતી નથી. ચાલુ નાણાકીય વર્ષમાં જ સરકારે બે વખત સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી અને રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે વધારાની એક્સાઇઝ ડ્યૂટી દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર અનુ. રૂા.૧૩ અને રૂા.૧૬નો ટેક્સ વધારો કર્યો છે. જો સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ભલે ભાવનો ગમે તે પ્રવાહ હોય તેમ છતાં પેટ્રોલિયમ પેદાશ પર પૈસા બનાવવાની પોતાની નીતિ બંધ નહીં કરે તો પ્રજાને આગામી દિવસોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવના આકરા ડોઝનો સામનો કરવો પડશે. પરંતુ મોદી સરકારની વિસંગત નીતિ સામાન્ય માનવીને નીચોવવાનું ચાલુ રાખશે એવું જણાય છે.