અંકલેશ્વર, તા.ર૦
અંકલેશ્વરની એશિયન પેઈન્ટ કંપનીમાંથી સુરતના સંદીપગીરી ગોસ્વામીએ ઝીકા લોજિસ્ટિક પાસેથી ગત તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ અંકલેશ્વરથી રૂપિયા ૬૪.૪૨ લાખનો સામાન પોતાની માલિકીની બે ટ્રકોમાં ભર્યો હતો. આ બંને ટ્રકના ચાલક ફરહાન ગુલફામ અને ઈરફાન માલ લઈને નીકળ્યા હતા. સાથે એડવાન્સ ભાડા પેટે તેમણે ૧.૭૫ રૂપિયા રોકડા પણ લીધા હતા. દરમિયાન આ માલ-સામાન નિયત સ્થળે નહીં પહોંચતા માલની ઉચાપત થઈ હોવાની શંકા ગઈ હતી. બાદમાં તેમનો સંપર્ક નહીં થતાં આખરે ટ્રક માલિક અને બંને ડ્રાયવર વિરૂદ્ધ આનંદ રાધેશ્યા પ્રસાદે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં સુરતના નવનીત મનસુખ રામોલિયાના કોસાડ સ્થિત ભાડાના ગોડાઉનમાંથી ૩૬.૩૨ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે નવનીત મનસુખ રામોલિયાની અટકાયત કરી ફરાર અન્ય આરોપીઓની શોધખોળ કરવાની સાથે બાકીનો ૨૮.૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.