(એજન્સી) તા.ર૭
દિલ્હી પોલીસ અને ઈન્ટેલિજન્સ એજન્સી પ્રજાસત્તાક દિવસ પર આંદોલનરત ખેડૂતોની ટ્રેકટર પરેડને પરવાનગી આપવાની વિરૂદ્ધ હતી. સૂત્રો મુજબ ગૃહ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી છેલ્લી કેટલીક મીટિંગોમાં આ વાત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે જો દિલ્હીમાં ખેડૂતોને આવવાની પરવાનગી આપવામાં આવશે તો સ્થિતિ ખરાબ થઈ શકે છે. જો કે, દિલ્હી પોલીસના પરવાનગી ના આપ્યા પછી પણ રાજકીય સ્તરે નિર્ણય લેવામાં આવ્યો કે ખેડૂતોને પ્રવેશ આપવામાં પ્રવેશ આવશે. સરકારને આશંકા હતી કે જો તેણે ખેડૂતોને એન્ટ્રી આપી નહીં તો ખેડૂત બીજું કોઈ મોટું પગલું ભરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે એલર્ટ કર્યા પછી પણ રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રેકટરો અને ખેડૂતોની એન્ટ્રીને પરવાનગી આપવામાં આવી. પરિણામ સ્વરૂપ મંગળવારે દિલ્હીની બોર્ડરથી લઈને આઈટીઓ અને લાલ કિલ્લા પર ખેડૂતોની ટ્રેકટર માર્ચમાં સામેલ પ્રદર્શનકારીઓએ જોરદાર હોબાળો કર્યો. પોલીસ કર્મચારીઓ પર પણ હુમલા કરવામાં આવ્યો. આ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દા પર ઉચ્ચ સ્તરીય બેઠક પણ ત્યારે બોલાવી જ્યારે સ્થિતિ બગડીને હાથની બહાર થઈ ગઈ હતી. સાંજે ૪ઃ૩૦ વાગે પોતાના ઘર શાહે ગૃહ મંત્રાલય, દિલ્હી પોલીસ અને આઈબીના ટોચના અધિકારીઓની સાથે આ મીટિંગ ત્યારે કરી, જ્યારે લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓનો હોબાળો પહેલાથી જ શરૂ થઈ ગયો હતો. ગૃહમંત્રીની બોલાવેલી બેઠક લગભગ દોઢ કલાક ચાલી, જેમાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવા અને આગળના એકશન પર ચર્ચા કરી જેથી તણાવ ઘટાડી શકાય. જણાવી દઈએ કે ખેડૂતોની જે ટ્રેકટર પરેડનો ઉદ્દેશ ત્રણ કૃષિ કાયદાઓ અંગે પોતાની માંગોને રેખાંકિત કરવાનો હતો, તે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના રસ્તાઓ પર ખરાબ રીતે અરાજક થઈ ગઈ. હજારોની સંખ્યામાં ઉગ્ર પ્રદર્શનકારી ખેડૂત બેરીકેડ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા અને તેની પ્રાચીર પર એક ધાર્મિક ધ્વજ લગાવી દીધો જ્યાં ભારતનો ધ્વજ લહેરાવામાં આવે છે. રાજપથ અને લાલ કિલ્લા પર બે જુદી-જુદી વસ્તુઓ જોવા મળી. રાજપથ પર જ્યાં એક તરફ ભારતીયોએ પ્રજાસત્તાક દિવસ પર દેશની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન બતાવ્યું. ત્યાં પ્રદર્શનકારી ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ અંગે મોગલકાલીન લાલ કિલ્લા પહોંચી ગયા જે સ્વતંત્રતા દિવસ સમારોહનું મુખ્ય સ્થળ છે. દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં અનેક સ્થળોએ અથડામણો થઈ જેનાથી અરાજકતાની સ્થિતિ ઉદભવી. આ દરમ્યાન ઘાયલ થનારા ખેડૂતોની વાસ્તવિક સંખ્યાની માહિતી નથી પરંતુ દિલ્હી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેમના ૮૬ કર્મચારી ઘાયલ થયા. તેમાં ૪૧ કર્મચારી લાલ કિલ્લા પર ઘાયલ થયા.