Site icon Gujarat Today

પ્રાંતિજના સીતવાડા-નવાપુરા રોડે ટ્રકે બાઈકને ઠોકરે ચઢાવતા યુવાનનું મોત : બેને ઈજા

(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૨૭
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સીતવાડા-નવાપુરા પાસે રેતી ભરેલ ટ્રક ચાલકે ફુલફાસ્ટ હંકારી લાવી બાઇક ને ટક્કર મારી હડફેટે લઇને એક નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો બે જણને ગંભીર ઇજાઓ પહોચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં .
સીતવાડા-નવાપુરા ગામ પાસે થી રેતી ભરેલ ટ્રક નંબર-જીજે-૧૮એયુ ૯રર૪નો ચાલક પુરઝડપે હંકારી લાવી સાઇડ માં જઇ રહેલ બાઇકને અડફેટે લેતા બાઇક ઉપર જતા ત્રણેય બાઇક સાથે નીચે પટકાયા હતાં તો શરીરે જીવલેણ ઇજાઓ પહોચતા સુરપાલસિંહ કેસરીસિંહ રાઠોડ (ઉ.વર્ષ ૨૫ રહે.સીતવાડા નવાપુરા)નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો ગજેન્દ્રસિંહ વિનુસિંહ રાઠોડ (ઉ.વ.૧૮) તથા ચેતનસિંહ વિનુસિંહને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેઓને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા છે તો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મુકીને ભાગી ગયો હતો તો અકસ્માત ધટના સ્થળે દોડી આવેલ સગાસંબંધીઓ તથા ગામજનો દ્વારા ટ્રકના કાચ ફોડ્યા હતા. રેતી ભરીને આવતા અન્ય એક ટ્રકના પણ કાચ વિફરેલા લોકોએ ફોડી નાખ્યા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે ભારેલા અગ્ની જેવી સ્થિતિ પેદા થઈ હતી તો પ્રાંતિજ પીઆઇ એમ.ડી. ચંપાવત પોલીસ ટીમ સાથે દોડી આવ્યા હતાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. તો મૃતકના પરિવાર દ્વારા લીઝ ધારકના આવે ત્યાંસુધી મૃતકની લાશ ઉઠાવવાની ના પાડી હતી. ત્યારે ગામજનો અને પોલીસ વચ્ચે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. આ રોડ ઉપર દિવસ રાત બેરોકટોક ગેરકાયદે રેતી ભરીને ટ્રકો દોડે છે. તેમ છતાં જવાબદાર તંત્ર હાલતો ઘોર નિંદ્રામાં છે ! પ્રાંતિજ પોલીસે અકસ્માતનો ગુનોનોધી આગળની તપાસ હાથ ધરી છે.
અહીં બેફામ દોડતા ટર્બા ટ્રકોનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

Exit mobile version