Site icon Gujarat Today

પ્રેમિકા સાથે મળી પત્નીને મોતને ઘાટ ઉતારનાર પ્રેમી પંખિડાંને આજીવન કેદની સજા

જામનગર, તા.ર૮
જામનગરના ગોકુલનગરમાં એક પરિણીત શખ્સે પોતાની પ્રેમિકાને પામવા માટે પ્રેમિકા સાથે મળી પત્નીને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેણે પરિણીત શખ્સ તથા તેની પ્રેમિકાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા અર્જુન એપાર્ટમેન્ટમાં રહેતા જયેશ કરશનભાઈ રાવલિયા નામના શખ્સના પત્ની નયનાબેન ત્રણેક વર્ષ પહેલા પોતાના ઘરે હતા. ત્યારે બાથરૂમમાં અકસ્માતે લપસી પડતા તેઓને ગંભીર ઈજા થઈ છે તેવી વાત સાથે જયેશભાઈએ બેશુદ્ધ રહેલા નયનાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નયનાબેનને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઉપરોક્ત બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસ સમક્ષ જયેશના પિતા કરશન પબાભાઈ રાવલિયાએ નિવેદન આપી જણાવ્યું હતું કે, પોતાના પુત્રવધુ નયનાબેન અકસ્માતે બાથરૂમમાં પડી જતાં મૃત્યુ પામ્યા છે. જ્યારે મૃતક નયનાબેનના પિતા ભીખાભાઈ વેજાણંદભાઈ બેરાએ પોતાની પુત્રીને જમાઈ જયેશ તથા તેની પ્રેમિકા સોનલ ભંડેરીએ મોતને ઘાટ ઉતારી દીધી છે તેવી ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હાથ ધરાતા ખૂલેલી વિગત મુજબ જયેશ રાવલિયાને નજીકના જ વિસ્તારમાં રહેતી સોનલ પ્રદીપભાઈ ભંડેરી નામની યુવતી સાથે પ્રેમ થઈ જતાં જયેશ તથા સોનલે પોતાના સંબંધમાં આડખીલીરૂપ બનતી જયેશની પત્ની નયનાને બાથરૂમમાં લઈ જઈ, ગળાટૂંપો આપી મારી નાખી હોવાની વિગત ખૂલી હતી. પોલીસે બંને વ્યક્તિઓની નયનાબેનની હત્યાના ગુનામાં ધરપકડ કરી ચાર્જશીટ કર્યું હતું.
ઉપરોક્ત કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ન્યાયમૂર્તિ કે.આર. રબારી સમક્ષ ચાલી જતા તેમણે આરોપી જયેશ કરશનભાઈ તથા સોનલ પ્રદીપ ભંડેરીને હત્યાના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. સરકાર તરફથી એ.ડી.પી.પી. ધર્મેન્દ્ર એ.જીવરાજાણી તથા મૂળ ફરિયાદી તરફથી કે.બી.બગડા રોકાયા હતા.

Exit mobile version