(એજન્સી) કોલકાતા, તા.૧૯
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે ભાજપ સામે હુંકાર કરતાં કેસરિયા પાર્ટીને ઝેરી સાપ ગણાવી પુરૂલિયાના લોકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ આ પક્ષને આગામી ચૂંટણીમાં નકારી કાઢે. મમતાએ જણાવ્યું હતું કે, ભાજપ માઓવાદીઓ કરતાં પણ વધુ ખતરનાક પાર્ટી છે. તે ઝેરી સાપ જેવી પાર્ટી છે. જે તેમને માત્ર એક જ ડંશમાં ખતમ કરી નાંખશે. તેમજ તેને અડચણરૂપ અથવા તેના રસ્તામાં જે કોઈ આવશે તેેને પણ અંજામ સુધી પહોંચાડી દેશે. પુરૂલિયા ખાતે એક જાહેર સભાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ એક એવો જિલ્લો છે જે બંગાળી ભાષા ચળવળ ઉપાડનાર પૈકી એક છે. પુરૂલિયાના લોકો ક્યારેય બાહરી લોકોને સ્વીકારે નહીં. ભાજપ જ્યારે તમારી પાસે મત માંગવા આવે ત્યારે તેને લાત મારી કાઢી મૂકો. તેમણે જણાવ્યું હતું કે, આ તબક્કે આ રેલીને જોવા તમામ લોકોને આવકાર છે અને તેમણે જોવું જોઈએ કે, મમતાની રેલીમાં લોકો ભેગા થાય છે કે નહીં. તેમણે પાર્ટી છોડી ભાજપમાં જનારા પૂર્વ સહયોગીઓની પણ ટીકા કરી હતી. આ લોકો તમારી પાસે આવશે અને રૂપિયા આપી તમને મત આપવાનું કહેશે પણ તમે તેમના રૂપિયા સ્વીકારી લેજો પણ તેમને મત આપતા નહીં. મમતાએ જણાવ્યું હતું કે, તમે તમારા પોશાક વારંવાર બદલી શકો છો પણ તમારા વિચારો કે ચરિત્ર બદલી શકતા નથી. મમતાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે ગઈકાલે ભાજપને પડકાર ફેંકતા નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, તૃણમૂલ કોંગ્રેેસના સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે જાહેરાત કરી હતી કે, તેઓ આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ ખાતેથી ચૂંટણી લડશે. મમતા બેનરજીનો હાલનો મતવિસ્તાર ભવાનીપુર છે. નંદીગ્રામ ટીએમસીના પૂર્વ નેતા સુવેન્દુ અધિકારીનો મત વિસ્તાર હતો. તેમણે બંગાળ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. અને ગત ૧૯મી ડિસેમ્બરના રોજ ભાજપમાં જોડાયા હતા. તેમણે ટીએમસીના ઉમેદવાર તરીકે વર્ષ ૨૦૧૬માં આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો. આ વખતની ચૂંટણીમાં મમતા નંદીગ્રામથી ચૂંટણી લડશે. આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી તેમણે સીધી રીતે અધિકારીને પડકાર ફેંકયો છે. મમતાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હું નંદીગ્રામથી ચૂંટણી લડીશ. નંદીગ્રામ મારી માટે ભાગ્યશાળી છે. સોમવારે વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે ઉક્ત જાહેરાત કરી હતી. મમતાની આ જાહેરાત બાદ સુવેન્દુ અધિકારીએ પણ જણાવ્યું હતું કે, અમે મમતાને આ બેઠક પરથી ૫૦,૦૦૦ મતોથી પરાજિત કરીશું નહીંતર હું રાજકારણ છોડી દઈશ.