National

બજેટમાં બિહાર માટે કોઈ લાભ નથી : મોદી સરકાર માત્ર કાગળો પર ભજીયા ઉતારે છે : તેજસ્વી યાદવ

(એજન્સી) પટના,તા.૧
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મોદી સરકારના બજેટને નિરાશાજનક જણાવ્યું છે. તેજસ્વીએ ટવીટમાં નિતીશકુમારને પ્રશ્ન કર્યો છે કે, બિહારને વિશેષ પેકેજ અને વિશેષ રાજયના દરજજાનો કોઈ લાભ મળ્યો નથી. મોદીના બજેટમાં બિહાર માટે કોઈ લાભ નથી નિતીશકુમાર જણાવે કે શું એમના માટે આ ડબલ એન્જિન છે ? તેજસ્વીએ લખ્યું કે નિતીશને કારણે કેન્દ્રની ભાજપ સરકાર બિહાર સાથે ઓરમાયું વર્તન કરે છે. તેજસ્વીએ આ બજેટને ખેડૂતો માટે છેતરપિંડી વાળુ ઠેરવાતા ટવીટમાં લખ્યું, આ બજેટ ખેડૂતો સાથે છળકપટ છે. ઘઉની જે ન્યુનત્તમ સમર્થન કિંમત છે એ કિંમત પર બજારમાં ઘઉં ખરીદનાર કોઈ નથી. આથી ખેડૂતોએ મજબૂર થઈને નીચા ભાવે ઘઉં વેચવા પડે છે. કયાં દોઢ ગણા એમએસપીની વાત કરો છો ? વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ખેડૂતોના નસીબ લખો નહીં. તેજસ્વીએ આગળ ઉમેર્યું કે, મોદી સરકાર જમીન રીતે પર કશું જ કર્યું નથી અને ન તો કંઈક કરી રહી છે સરકાર માત્ર કાગળો પર ભજીયા અને નિવેદન બાજીના પતાસા ઉતારી રહી છે. તેજસ્વીએ ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા ટવીટમાં લખ્યું કે, ખેડૂતોની ખેતીની ચિંતા બાજુ પર મુકીને મોદી સરકાર વોટોની ખેતીમાં તલ્લીન છે બીજેપી દેશમાંથી ખેડૂતોનો સફાયો કરવા માંગે છે. મૂડીવાદીઓનો એનપીએ ૧૦ લાખ કરોડ છે છતાં મોદી સરકાર મૂડીવાદીઓની ચોકીદારી કરે છે પરંતુ મોદી સરકાર ૮૦ કરોડ ખેડૂતોના થોડા ઘણા હજાર-કરોડ રૂપિયાનું દેવું માફ કરી શકતી નથી, આ અંગે તેજસ્વીએ માર્મિક ટવીટ કરી હતી, તેમણે લખ્યું કે ખેડૂતોની આટલી બધી ચિંતા છે તો એમનું દેવું કેમ માફ કરતા નથી આવક તો એનાથી પણ વધી જશે.